December 25, 2024

અમદાવામદમાં 147મી રથયાત્રા, જાણી લો આખા કાર્યક્રમનું શિડ્યૂલ

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા 7મી જુલાઈના દિવસે નીકળવાની છે. ત્યારે રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ કરી વિવિધ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, ‘રથયાત્રામાં 18 ગજરાજનો સમાવેશ થશે. રથયાત્રામાં 101 ટ્રકમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે. અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા રહેશે. સાધુ-સંતો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે. 2000 જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથ પુરી તથા સૌરાષ્ટ્રમાંથી આવશે.’

આ પણ વાંચોઃ ભગવાનના લાખેણા મામેરાનાં દર્શન, મોટી સંખ્યામાં ભક્તો મોસાળમાં ઉમટ્યા

તેમણે ઉમેર્યું હતું કે, ‘મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરાવશે. રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરીનો પ્રસાદ વહેંચવામાં આવશે. આ ઉપરાંત 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપેર્ણા પ્રસાદમાં આપવામાં આવશે.’

તેઓ વધુમાં વાત કરતા જણાવે છે કે, ‘5 જુલાઈએ સવારે 8 વાગે ભગવાનના નેત્રોત્સવ પૂજાવિધિ કરવામાં આવશે. સવારે ધ્વજરોહણ વિધિમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાધુ-સંતોનું સન્માન કરશે. 6 જુલાઈએ ભગવાનના સોનાવેશના દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવશે. રથાયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા-આરતી કરશે અને સાંજે મહાઆરતી કરવામાં આવશે.’

આ પણ વાંચોઃ વસ્ત્રાલમાં ભગવાન જગન્નાથજીના મામેરાની ભવ્ય શોભાયાત્રા, દરેક સોસાયટીમાં ભવ્ય સ્વાગત

તેઓ આગળ જણાવે છે કે, ‘7 જુલાઈએ ભગવાન નગરચર્યાએ નીકળશે. સવારે 4 વાગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે. ભગવાનને ખીચડીનો વિશેષ ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનને અતિપ્રિય આદિવાસી નૃત્ય-ગરબા કરી ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવશે. સવારે 5.45 ભગવાન રથમાં પ્રવેશ કરશે. સવારે 7.00 વાગે રથયાત્રાનો શુભારંભ થશે.’

તેઓ કહે છે કે, ‘જગન્નાથ મંદિરની વેબસાઇટ WWW.JAGANNATHJIAHD.ORG ઉપર ઓનલાઇન દર્શન થઈ શકશે. મંદિરના પ્રાંગણમાં કોઈ દુર્ઘટના થાય તો 1 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.’