20 વર્ષથી આ વ્યક્તિ બનાવે છે ભગવાન જગન્નાથજીના વાઘા, જાણો આ વર્ષે કઈ થીમ છે
ટ્વિંકલ જાની, અમદાવાદઃ આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળશે. રથયાત્રાની તૈયારીઓ સાથે ભગવાનના વાઘાને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદના સુનિલભાઈ સોનીએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના વાઘા તૈયાર કર્યા છે. સુનિલભાઈ 20 વર્ષથી સતત ભગવાનના વાઘા બનાવે છે.
અમદાવાદ શહેરમાં 7મી જુલાઈએ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. તેની અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે અને ભગવાનના મોસાળ સરસપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બળભદ્રજી ખાસ બનારસ, વૃંદાવન, મથુરા અને બેંગલુરુથી મંગાવેલા કાપડમાંથી બનેલા વિશેષ વાઘા ધારણ કરી નગરયાત્રાએ નીકળશે. આ ઉપરાંત ડાયમંડ, જયપુરી મોતી, જરદોષી વર્કથી આભૂષણો સહિત અવનવા અલંકારો તૈયાર કર્યા છે.
આ પણ વાંચોઃ ઇમ્પેક્ટ ફી મામલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 6 મહિનાની મુદ્દત વધારી
રથયાત્રાના દિવસે ભગવાન રજવાડી વેશ ધારણ કરી નગરજનોને દર્શન આપશે. આ માટે ભગવાન જગન્નાથજીના 7 જોડી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. અષાઢી બીજના 7 દિવસ પહેલાથી જ ભગવાનના અલગ-અલગ થીમ પર વસ્ત્રો પહેરાવવામાં આવશે. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી માટે ખાસ વેલવેટ, ગજીસિલ્ક કાપડમાંથી વાઘા બનાવવામાં આવ્યા છે.
અમદાવાદના સુનિલભાઈ સોની અને તેમનો પરિવાર છેલ્લા 2 મહિનાથી રાત-દિવસ ભગવાનના વાઘા બનાવી રહ્યા છે. સુનિલભાઈ 20 વર્ષથી સતત ભગવાનના વાઘા બનાવે છે. જેમાં અવનાવા ચણિયાચોલી, હાર, મુગટ, પાઘડી વગેરે તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે ભરતકામ અને ઝરીકામ કરેલા વાઘા ધારણ કરી ભગવાન નગરચર્યાએ નીકળશે.
આ પણ વાંચોઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી
સરસપુરમાં આવેલા મોસાળ એટલે કે શ્રીરણછોડરાયજીના મંદિરે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન શ્રીજગન્નાથજી, બહેન શ્રીસુભદ્રાજી અને શ્રીબલભદ્રજીની નગરયાત્રા જમાલપુર જગદીશ મંદિરેથી પરંપરાગત ભક્તિમય વાતાવરણમાં નીકળશે. આ પૂર્વે જેઠ સુદ પૂનમના દિવસથી ભગવાન મોસાળમાં પંદર દિવસ સુધી રહેશે. તેની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શનનો લાભ સૌ ભક્તજનોને મળે તે માટે 22મી જૂન 2024ને શનિવારે વાજતે-ગાજતે બેન્ડવાજા, બગી-ગાડી સાથે ભગવાન શ્રીજગન્નાથજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.