January 7, 2025

ભગવાન જગન્નાથે આખી રાત મંદિર પરિસરમાં વિતાવી, જાણો કારણ

અમદાવાદઃ ગઈકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા હતા. ‘જય રણછોડ’ના નાદ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાતા ભાવિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં પરંપરાગત આદિવાસી નૃત્ય, અખાડાનાં કરતબો જોવા લોકો ટોળે વળ્યાં હતા. ત્યારે મોડી રાતે 10 વાગ્યા આસપાસ ભગવાન નગરચર્યા કરીને નિજમંદિરે પરત ફર્યા હતા. ત્યારબાદ ભગવાને આખી રાત મંદિર પરિસરમાં જ વિતાવી હતી.

મંદિર બહાર આખી રાત રાતવાસો
રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર રાતવાસો કરતો હોય છે. તેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. દંતકથા પ્રમાણે, ભગવાન જગન્નાથ તેમના પત્ની રુક્ષ્મણીજીને નગરચર્યાએ લઈ જતા નથી. તેથી તેઓ રિસાય જાય છે અને ભગવાનને પ્રવેશવા દેતા નથી અને તેને કારણે ભાઈ-બહેન સાથે ભગવાનને આખી રાત બહાર રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

રથયાત્રા પૂરી થયા બાદ નજર ઉતારાય છે
નિજમંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનું કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે. તેથી તેમનો મંદિર રથ પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે.