January 5, 2025

રથયાત્રામાં આકાશમાંથી રહેશે બાજ નજર, ઓટોમેટિક ડ્રોનથી થશે પેટ્રોલિંગ

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં પોલીસ દ્વારા આ વખતે હેલિકોપ્ટર, ઓટોમેટિક ડ્રોન વિથ સેન્સર, હિલિયમ બલૂન સહિતથી બાજ નજર રાખવામાં આવશે. કમાન્ડો પાસે અત્યાધુનિક વેપન, સોશિયલ મીડિયા વોચ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને પોલીસ બંદોબસ્ત રહેશે.

આકાશમાંથી ઓટોમેટિક ડ્રોન અને હેલિકોપ્ટરથી સમગ્ર રથયાત્રા પર બાજ નજર રાખવામાં આવશે. આવતીકાલે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આકાશમાંથી પોલીસનું પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. ઓટોમેટિક ડ્રોન કેમેરાથી રુટ પર પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે.

અમદાવાદમાં જગતના નાથ ભાઈ-બહેન સાથે 147મી નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કાઢવામાં આવ્યો છે. રૂટ પર તમામ જગ્યાએ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આધુનિક સુવિધાથી સજ્જ પોલીસ અધિકારીઓ પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં જગન્નાથ પુરી બાદ સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. જેમાં સમગ્ર રાજ્યભરમાંથી ભાવિક ભક્તો ભગવાન કૃષ્ણ સહિત બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના દર્શન કરવા માટે આવે છે.