News 360
Breaking News

પોલીસથી બચવા કાર સ્પીડમાં ચલાવી પોલીસ પર ચડાવવાનો પ્રયાસ, આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના સિંધુભવન રોડ પર પોલીસથી બચવા સ્પીડમાં કાર પોલીસ પર ચઢાવવાનો પ્રયાસ કરનારા નબીરાની બોડકદેવ પોલીસે ધરપકડ કરી છે. આરોપી દંડથી બચવાના પ્રયાસમાં જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, સિંધુભવન રોડ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક કાળા રંગની મોંઘીદાટ કાર ત્યાંથી પસાર થાય છે. પોલીસ જવાનો દ્વારા કારને રોકવા માટે ઇશારો કરવામાં આવે છે પરંતુ, ચાલક કારને બેફામ રીતે હંકારીને ભાગી જાય છે. ટ્રાફિક વચ્ચેથી ચાલક કારને જોખમી રીતે હંકારે છે અને પોલીસ પર ચઢાવવાનો પ્રયાસ કરે છે અને પછી ફરાર થઈ જાય છે. આ કારચાલક પોલીસ કસ્ટડીમાં જોવા મળતો પ્રિન્સ ઠક્કર છે. આ આરોપીએ પોલીસના ચેકિંગથી બચવા અને દંડ નહીં ભરવા બેફામ ડ્રાઇવિંગ કરીને પોલીસ કર્મચારીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. બોડકદેવ પોલીસ ગોતાથી આરોપી પ્રિન્સ ઠક્કરની ધરપકડ કરીને વર્ના કાર કબ્જે કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલા કાર ચાલક નરોડાનો રહેવાસી છે અને પિતા સાથે મળીને ગોળનો વેપાર કરે છે. દોઢ માસ પહેલા પ્રિન્સ ઠક્કર વર્ના કાર લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થતો હતો ત્યારે બ્લેક ફ્રેમ લગાવેલી હતી. પોલીસે ચેકિંગ કરવા કાર અટકાવી હતી. તેની પાસે લાયસન્સ કે ગાડીનું ઈન્સ્યોરન્સ નહોતું અને કારમાં બ્લેક ફ્રેમ પણ લગાવી હતી. જેથી પોલીસે કાર્યવાહી કરતા 20 હજારનો દંડ ભરવો પડ્યો હતો. જેથી આરોપીએ પોલીસ ચેકિંગથી બચવા કારની આગળની નંબર પ્લેટ હટાવીને પોલીસની ગાડી જેમ ડિઝાઈનર પટ્ટી લગાવી દીધી હતી. જેથી પોલીસ તેને અટકાવતી નહોતી. સિંધુભવન રોડ પર ચેકિંગ દરમિયાન પોલીસે તેની ગાડી અટકાવતા ફરી 20 હજારનો દંડ ભરવો પડશે તેવું વિચારીને નાસવાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપીના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા અને કારચાલકે કરેલા ગુનાને લઈને તે પોલીસની માફી માગી રહ્યો છે.

બોડકદેવ પોલીસે કારચાલક પ્રિન્સ ઠક્કરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ માનવ વધ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. આરોપીએ ગાડીમાં ફેન્સી નંબર પ્લેટ અને બ્લેક ફ્રેમ બદલી કાઢી હતી. જેથી તેને મદદ કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે.