November 22, 2024

સાયબર ક્રાઇમથી બચવા ઝૂંબેશ શરૂ, સ્કૂલમાં પાઠ ભણાવવામાં આવશે

મિહિર સોની, અમદાવાદઃ સાયબર ક્રાઇમનું પ્રમાણ વધતા હવે સ્કૂલમાં સાયબર ફ્રોડ અને છેતરપિંડીથી સાવચેત રહેવાના પાઠ ભણાવવામાં આવશે. સાયબર ક્રાઇમ, ADC બેન્ક અને સ્કૂલ પ્રિન્સિપાલ દ્વારા સાયબર સેફ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમદાવાદની 600થી વધુ સ્કૂલ સાયબર અવેરનેસના અભિયાનમાં જોડાઈ છે.

સાઈબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે. જેથી સાયબર સેફ અમદાવાદ પ્રોગ્રામ અંતર્ગત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત સ્કૂલના બાળકોમાં સાઈબર ફ્રોડ સામે અવેરનેસ આવે તે માટે શહેરની 600 જેટલી સ્કૂલના પ્રિન્સિપાલને ટ્રેનિંગ આપવામાં આવી છે. પાલડીમાં ટાગોર હોલમાં અવેરનેસને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતના નિવૃત્ત પોલીસ કમિશનર અજય તોમર તેમજ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ એ આ તમામ સ્કૂલના પ્રિન્સિપાલને સાઈબર ફ્રોડથી કેવી રીતે બચવું અને જો ભોગ બનો તો શું કરવું તેની ટ્રેનિંગ આપી હતી. શહેર પોલીસ, અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેંક તેમજ અમદાવાદ ડીઈઓ દ્વારા પાલડી ટાગોર હોલ ખાતે આ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. જેમાં શહેરની 600 સ્કૂલના પ્રિન્સિપાલ ભાગ લીધો હતો.

મહત્વનું છે કે, સ્કૂલના બાળકો સૌથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જેથી સાઈબર ફ્રોડથી બચવા માટે શું કરવું તેની અવેરનેસ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં નાટક બતાવીને, શોર્ટ ફિલ્મ બતાવીને તેમજ પોલીસ અધિકારીઓ તેમના અનુભવથી સ્કૂલના પ્રિન્સિપાલોને કેવા-કેવા પ્રકારના સાઈબર ફ્રોડ થઈ રહ્યા છે તેની સમજ આપી હતી. આ તાલીમ બાદ આ પ્રિન્સિપાલ તેમની સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને સાઈબર ફ્રોડના પ્રકાર, સાઈબર ફ્રોડ કેવી રીતે થાય છે અને તેને રોકવા શું કરવું, તેમજ જો ભોગ બનો તો ત્યારબાદ શું કરવું, તે અંગે 1 ઓગસ્ટથી સ્કૂલો-કોલેજોમાં સાઇબર અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવશે.

સાયબર સેફને લઈને અમદાવાદ સાઈબર ક્રાઈમ 1 ઓગસ્ટથી સાઈબર ક્રાઈમ સંવાદનો કાર્યક્રમ શરૂ કરી રહી છે. તેના ભાગરૂપે સાઈબર ક્રાઈમના અધિકારીઓ તેમજ નિષ્ણાતો શહેરની જુદી જુદી સ્કૂલો અને કોલેજમાં સાઈબર અવેરનેસ અંગે સેમિનાર કરીને વિદ્યાર્થીઓને માહિતગાર કરી છેતરપિંડીનો ભોગ બનતા અટકાવવા પ્રયાસ કરશે.