અમદાવાદની ફતેવાડી કેનાલમાં કાર ખાબકી, ત્રણ યુવાન તણાયાં

અમદાવાદઃ વિશાલા નજીક આવેલી ફતેવાડી કેનાલમાં ફોરવ્હિલ તણાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે, ત્રણ યુવાનો તણાઈ ગયા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક કેનાલનું વહેણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફાયર વિભાગ સહિત રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણેય યુવાનોની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, મૌલિક જાલેરા નામના વ્યક્તિએ સ્કોર્પિયો ચાર કલાક માટે ભાડે લીધી હતી. તેના મિત્રો સાથે કાર ડ્રાઇવ પર લઈ ગયો હતો. ત્યારે વાસણઆ બેરેજ કેનાલ રોડથી યક્ષ ભંકોડિયાએ ગાડી ચલાવી હતી. ત્યારબાદ થોડે દૂર તેમના મિત્ર યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી. આ દરમિયાન તેમની સાથે ક્રિશ દવે પણ બેઠો હતો. ત્રણેય મિત્રો ગાડીમાં સવાર હતા ત્યારે અચાનક યુટર્ન મારતી વખતે કોઈ કારણોસર યુટર્ન વાગ્યો નહોતો અને ગાડી સીધી કેનાલમાં ઉતરી ગઈ હતી.
તે સમયે ત્યાં ઉભેલા મિત્રે વિરાજસિંહ રાઠોડે રસ્સો નાંખી બચાવવાની કોશિશ કરી હતી. ત્યારે ત્રણેયમાંથી એકપણ વ્યક્તિ રસ્સો પકડી શક્યું નહોતું અને વહેતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. હાલ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ત્રણેય યુવાનોની શોધખોળ હાથ ધરી છે. જ્યારે સ્કોર્પિયો કાર કેનાલમાંથી બહાર કાઢી લેવામાં આવી છે.