December 26, 2024

અમદાવાદના દરિયાપુરમાં આવેલા મદરેસામાં તપાસ દરમિયાન આચાર્ય પર ટોળાનો હુમલો

અમદાવાદઃ શહેરમાં સરકારના આદેશ પ્રમાણે મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સરવે કરવા માટે આચાર્ય પહોંચ્યા હતા. ત્યારે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.

ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં ચાલતા મદરેસામાં ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા સુલતાન મહોલ્લામાં આચાર્ય પર ચેકિંગ દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. બાપુનગરની સ્મૃતિ વિદ્યાલયના આચાર્ય તપાસ કરવા માટે સુલતાન મહોલ્લામાં ગયા હતા. તે દરમિયાન તેમના પર ટોળાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ આચાર્યએ આ સમગ્ર મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે પણ ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના મદરેસામાં તપાસનો આદેશ, 1200 મદરેસામાં ચેકિંગ થશે

ગુજરાત સરકારે આપ્યો તપાસનો આદેશ
ગુજરાત સરકારે મદરેસાને લઈને એક મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાતમાં ચાલતા તમામ સરકારી અને ગ્રાન્ટેડ મદરેસાનો સરવે હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગે શાળાઓ અને પ્રાથમિક શિક્ષણની કચેરીને કરેલા આદેશમાં જણાવ્યું છે કે, રાજ્યની મદરેસામાં અભ્યાસ કરતા બિનમુસ્લિમ બાળકોની ભૌતિક ચકાસણી કરવામાં આવશે. આ સાથે જ મદરેસાનું મેપિંગ પણ કરવામાં આવશે.

રાજ્યના 1200 મદરેસામાં ચેકિંગ
તમામ જિલ્લા શિક્ષણાધિકારીને શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મદરેસાની તપાસ કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં અંદાજે 1200 મદરેસા છે, જ્યારે અમદાવાદ શહેરમાં 175 અને ગ્રામ્યમાં કુલ 30 મદરેસા કાર્યરત છે. તમામ મદરેસામાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તપાસ કરશે. તપાસ બાદ અધિકારીઓ ઓનલાઇન રિપોર્ટ ફાઇલ કરશે.

આ પણ વાંચોઃ સહારામાં રોકાણ કરનારા લોકો બન્યાં ‘બેસહારા’, 500 કરોડ અટવાયા

ટિમ બનાવી મદરેસામાં થશે તપાસ
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હી દ્વારા મુખ્ય સચિવને મળેલા સમન્સ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે. પરિપત્રમાં જણાવાયું છે કે, મદરેસામાં ભણાવાતા બાળકો સામાન્ય શાળાઓમાં શિક્ષણ મેળવે એ જરૂરી છે, જેથી દરેક જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ટીમ બનાવી મગાયેલી માહિતી તાત્કાલિક ભરવાની રહેશે. તમામ પ્રકારની કાર્યવાહી કરવાની જવાબદારી અધિકારીઓની રહેશે. અધિકારીઓને મદરેસાની કામગીરીને અગ્રતા આપી સમયમર્યાદામાં પૂરી કરવા જણાવાયું છે.

આ માહિતીની તપાસ કરવામાં આવશે

  • મુખ્ય બાબત માગવામાં આવી છે.
  • મદરેસાનું સંચાલન કરનારી વ્યક્તિનું નામ.
  • ટ્રસ્ટ-સંસ્થાનું નામ.
  • મદરેસાને જે સંસ્થા દ્વારા મંજૂરી અપાઈ છે તેનું નામ.
  • મદરેસાના મકાનમાં ઓરડીની સંખ્યા કેટલી છે?
  • અભ્યાસ માટેનો સમય કયો છે?
  • શિક્ષકોને પગાર ચૂકવવા માટે નાણાંનો સ્ત્રોત શું છે?
  • અભ્યાસ કરતા બાળકોની ઉંમરની માહિતી
  • અન્ય શાળામાં અભ્યાસ કરતા હો તેની સંખ્યા વિશે તપાસ કરવામાં આવશે