December 25, 2024

અમદાવાદમાં પથ્થરમારા મામલે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાની ધરપકડ

અમદાવાદઃ બીજેપી-કોંગ્રેસના કાર્યકરો પર પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. પાંચેય કાર્યકર્તાઓને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. પાંચેય કાર્યકર્તા ઉપર ભારતીય ન્યાય સંહિતાને આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમને આધારે ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ કોંગ્રેસના પ્રવક્તા સંજય બ્રહ્મભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર છે. કોંગ્રેસના મનીષ ઠાકોર નારણપુરાના વોર્ડ પ્રમુખ છે. તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ મુકેશ દંતાણી અમદાવાદ શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ છે, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર્તા વિમલ કંસારાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય NSUI પ્રવક્તા હર્ષ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આ નેતાઓ છે કે ગુંડા? કોંગ્રેસ-BJPના કાર્યકર્તાઓ વચ્ચે લોહિયાળ પથ્થરમારો

શું હતી સમગ્ર ઘટના?
રાહુલ ગાંધીએ સંસદમાં ગઈકાલે હિંદુ વિરોધી નિવેદન આપ્યું હતું અને તેમને હિંસક કહ્યા હતા. ત્યારે સમગ્ર સંસદમાં હોબાળો થયો હતો અને દેશના હિંદુઓની લાગણી દુભાઈ હતી. ત્યારે આ મામલે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ તેવી માગણી ઉઠી હતી. તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તે પથ્થરમારામાં પરિણમ્યું હતું. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોએ એકબીજા પર દંડાના ઘા કર્યા હતા. તો પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગાડીઓના કાચ પણ તૂટ્યાં હતા. બંને તરફથી જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો આ ઘટનામાં પથ્થરમારામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો હતો. આ પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.