November 5, 2024

અંબાજી ભાદરવી પૂનમના મેળા બાદ 10,000 કિલોથી વધુનો મોહનથાળ પડ્યો રહ્યો

Ambaji: શકિતપીઠ અંબાજી ખાતે તારીખ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયો છે. આ દરમિયાન ગુજરાત સહિત દેશ-વિદેશથી આવેલા લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબા સમક્ષ શીશ નમાવ્યું હતું. દૂર દૂરથી ચાલી આવતાં પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ માના દર્શન માટે આવે છે. ત્યારે સમગ્ર મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓએ સંતોષ વ્યક્ત કર્યો છે. પરંતુ આ દરમિયાન અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટની અનઆવડત અને મિસ મેનેજમેન્ટના કારણે મોહનથાળનો પ્રસાદ પડ્યો રહ્યો હોવાની માહિતી સામે આવી છે.

ખરેખરમાં અંબાજી ભાદરવી પૂનમ બાદ ન્યુઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં ભાદરવી મેળો સમાપ્ત થયા બાદ મેળામાં 25 લાખથી વધુનો મોહનથાળ પડ્યો રહ્યો હોવાની માહિતી સામે આવી છે. મંદિર ટ્રસ્ટની અનઆવડત અને મિસ મેનેજમેન્ટના કારણે આ મોહનથાળનો પ્રસાદ પડ્યો રહ્યો હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. આ 10000 કિલો મોહનથાળ કે જેની પ્રતિ કિલોની કિંમત 250 રૂપિયા છે તે પડ્યો રહ્યો છે અને હવે આ મોહનથાળની શું વ્યવસ્થા કરવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે.

તમને જણાવી દઈએ કે, અંબાજી મંદિર દ્વારા ટચસ્ટોન ફાઉન્ડેશનને મોહનથાળ બનાવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેણે ભક્તો માટે મોહનથાળ બનાવ્યો હતો. પરંતું આટલી મોટી સંખ્યામાં મોહનથાળ બનાવાયો અને 25 લાખના પડેલા મોહનથાળને ભોગવશે કોણ તે મોટો પ્રશ્ન છે. જો હવે મંદિર ટચસ્ટોનને બિલ પાસ કરી આપે તો મંદિરના પૈસાનું પાણી થાય.

આ મામલે મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે મને આના વિષે ખબર નથી, કેમેરા સામે વહીવટદાર કઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. જોકે બનાસકાંઠા કલેક્ટરને જાણ કરતા તેમને તપાસ કરીને માહિતી આપવાનું આશ્વાસન આપ્યું હતું.