December 23, 2024

આતંકીઓ પર અંતિમ પ્રહાર, શ્રીનગર હુમલા બાદ LGની અધિકારીઓએ સાથે બેઠક, આપ્યો છૂટો દોર

Srinagar Grenade Attack: જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ (LG) મનોજ સિન્હાએ શ્રીનગરમાં થયેલા ગ્રેનેડ હુમલાને લઈને ડીજીપી નલિન પ્રભાત અને સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને આતંકવાદીઓ અને તેમના સહયોગીઓને સજા કરવા માટે અસરકારક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કહ્યું કે આતંકવાદી સંગઠનોને કચડી નાખવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે અને આ મિશનને પૂર્ણ કરવામાં કોઈ કમી બાકી ન રહેવી જોઈએ. તેમણે આતંકવાદી તત્વોને તેમના નાપાક ષડયંત્રમાં સફળ થવા દેવાના સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

એલજીએ સિનિયર સુરક્ષા અધિકારીઓને કહ્યું કે, નાગરિકોને નિશાન બનાવનારા આતંકવાદીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે. આ ઉપરાંત, તેમણે હુમલામાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી અને જિલ્લા વહીવટીતંત્રને તમામ શક્ય સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

શ્રીનગરમાં રવિવારી બજારમાં આતંકીઓનો ગ્રેનેડ હુમલો
જમ્મુ કાશ્મીર વિધાનસભા સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા આતંકવાદીઓએ રવિવારી બજારમાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલામાં એક ડઝન નાગરિકો ઘાયલ થયા છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે SMHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામની હાલત સ્થિર છે. હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે. કાશ્મીરના આઈજીપી બીકે બિરડી અને ડેપ્યુટી કમિશનર બિલાલ મોહિઉદ્દીને શહેરની હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, આ હુમલો ટુરિસ્ટ રિસેપ્શન સેન્ટર (TRC) પાસે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સ્ટેશન વાળા એક ભારે સુરક્ષા વાળા પરિસરમાં થયો હતો. એક દિવસ પહેલા જ સુરક્ષા દળોએ શ્રીનગર શહેરના ખાનયાર વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના પાકિસ્તાની કમાન્ડર ઉસ્માન લશ્કર ઉર્ફે છોટા વાલીદને ઠાર માર્યો હતો. આતંકી માર્યા ગયાના એક દિવસ બાદ ગ્રેનેડ હુમલો થયો હતો.

એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, CRPF બંકરને નિશાન બનાવીને આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલો ગ્રેનેડ ટાર્ગેટ ચૂકી ગયો અને રસ્તાના કિનારે જઈ પડ્યો. ઘટના સ્થળની નજીક સાપ્તાહિક ચાંચડ બજાર પણ રવિવારે ભરાય છે. જેમાં કાશ્મીર ખીણના તમામ દસ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગ્રાહકો અને દુકાનદારો છુપાવા માટે આમતેમ દોડતા જોવા મળ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે શનિવારે લશ્કર કમાન્ડરના મોત બાદ હતાશામાં આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો.