December 28, 2024

શિમલા બાદ મંડીમાં મસ્જિદ મામલે હોબાળો, જુમ્માના દિવસે હજારો હિન્દુઓએ વિરોધ કર્યો

Masjid Issue in Mandi: હિમાચલ પ્રદેશમાં શિમલાની સંજૌલી મસ્જિદનો વિવાદ હજુ પુરો નથી થયો ત્યાં, હવે મંડીમાં પણ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને લઈને હોબાળો થયો છે. શુક્રવારે મોટી સંખ્યામાં હિંદુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારીઓ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મોટી સંખ્યામાં હાજર પોલીસ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે.

વહીવટીતંત્ર દ્વારા મંડી શહેરના સાત વોર્ડોમાં કલમ 163(અગાઉની કલમ 144) લાગુ કરવામાં આવી હોવા છતાં, પ્રદર્શનકારીઓ સવારે 11 વાગ્યાથી સેરી મંચ પાસે એકઠા થવા લાગ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. પોલીસ પ્રશાસને વિવાદિત મસ્જિદ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે અને બેરિકેડ કરી દીધા છે. જ્યારે વિરોધીઓ મસ્જિદ સ્થળ તરફ કૂચ કરવા માટે બેરિકેડ પર ચઢી ગયા, ત્યારે પોલીસે તેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો. આ સાથે દેખાવકારોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. મંડીના ડીસી અને એસપી પણ સ્થળ પર હાજર રહ્યાં હતા. દેખાવકારોને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મંડી શહેરના જેલ રોડ પાસે આવેલી આ મસ્જિદ લગભગ ત્રણ દાયકા જૂની છે. મસ્જિદની સામે જાહેર બાંધકામ વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે મસ્જિદની સુરક્ષા દિવાલ બનાવવામાં આવી છે. જેને લઈને સ્થાનિક લોકો નારાજ છે. શિમલાના સંજૌલીમાં પ્રદર્શનને જોતા, મુસ્લિમ સમુદાયના લોકોએ ગુરુવારથી મંડીમાં મસ્જિદની ગેરકાયદેસર સુરક્ષા દિવાલ તોડવાનું શરૂ કર્યું. આ અંગેનો મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન મંડી કોર્ટમાં પેન્ડિંગ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો આપતાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આ સંદર્ભે મુસ્લિમ પક્ષને એક મહિનામાં અપીલ કરવાનો સમય આપવામાં આવ્યો છે.