મિત્રના બેંક એકાઉન્ટના પૈસા જોઈ બે મિત્રોની દાનત બગડી અને હત્યા કરી નાખી

મિહિર સોની, અમદાવાદ: નાનપણના બે મિત્રોએ તેના એક મિત્રની હત્યા નીપજાવી, પરંતુ તે પણ દગો આપીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. હકીકતમાં મિત્રના બેંક એકાઉન્ટ પૈસા જોઈ બે મિત્રોની દાનત બગડી અને હત્યા કરી નાખી હતી. જુઓ શું છે અમદાવાદનો આ ચોકાવનારો કિસ્સો અને શા માટે બે અંગત મિત્રો બન્યા હત્યારા જોઈએ આ ખાસ અહેવાલમાં…
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો 27 વર્ષનો જયેશ વણઝારા ગત્ત 9 ફેબ્રુઆરીના સાંજના સમયે પોતાના ઘરેથી “હમણાં આવું છું” તેમ કહીને નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો ન હતો, જેથી તેના પરિવારજનોએ નિકોલ પોલીસ મથકમાં ગુમ થયાની અરજી કરી હતી. જેની તપાસ કરતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે ગુમ થયેલા જયેશ વણઝારાની હત્યા કરવામાં આવી છે. જયેશ વણઝારાની હત્યા અન્ય કોઈ અન્યએ નહિ પણ તેના બે મિત્રોએ કરી હોવાનું પણ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે જયેશ વણઝારાના મિત્ર સચિન પંચાલ અને અન્ય એક સગીર મિત્રની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૃતક જયેશ વણઝારાના બેન્ક એકાઉન્ટમાં 18 લાખ રૂપિયા પડ્યા હતા. જે વાતની જાણ જયેશ વણઝારાના બે મિત્રોને હતી. જેથી બંને મિત્રોએ જયેશ વણજારાની હત્યા કરી તેના બેન્ક એકાઉન્ટમાં રહેલા 18 લાખ રૂપિયા મેળવવા માટે પ્લાન બનાવ્યો હતો. જે પ્લાન મુજબ 9 ફેબ્રુઆરીના જયેશને દારૂ પીવાના બહાને બોલાવ્યો હતો. સાંજના સમયે જયેશ તેના બે મિત્રો સાથે ડભોડા તરફ જવાના રસ્તે નર્મદા કેનાલ ઉપર આવેલી રાયપુર સાઈફન પાસે દારૂ પીવા બેઠા હતા. જે દરમિયાન જયેશ વણઝારાના બંને મિત્રોએ જયેશને દારૂ સાથે નશીલી દવા ભેળવી પીવડાવી દીધી હતી. જે બાદ જયેશને ભાન નહીં રહેતા તેને કેનાલ પાસે ધક્કો મારી કેનાલમાં ફેંકી તેની હત્યા કરી હતી અને જયેશનો મોબાઇલ લઇ લીધો હતો.
બંને મિત્રોએ જયેશના મોબાઇલમાંથી યુપીઆઈ દ્વારા સાડા ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમજ જયેશની મોટરસાયકલની નંબર પ્લેટ તોડી તેને નરોડા દહેગામ રોડ પર ખુલ્લી આવવાનું જગ્યામાં ફેંકી દીધી હતી.
જે બાદ બંને મિત્રો જાણે કંઈ ઘટના બની જ ન હોય તેમ પોત પોતાના ઘરે પહોંચી તેમને રાબેતા મુજબ કામે લાગી ગયા હતા. બંને મિત્રોએ બનાવેલા પ્લાન મુજબ જયેશના બેન્ક એકાઉન્ટમાં રહેલા 18 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે તે કોઈને શંકા જાય નહિ તેવું બેન્ક એકાઉન્ટ શોધી રહ્યા હતા. જોકે બંને મિત્રોને કોઈ બેન્ક એકાઉન્ટ મળે તે પહેલા જ પોલીસે બંને મિત્રોની ધરપકડ કરી લીધી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બંને મિત્રોએ જયેશની હત્યા બાદ તેનો ફોન નિકોલમાં રામરાજ્ય ચોકમાં એપી રેસીડેન્સીની સામે ઘાસમાં સંતાડી દીધો હતો. જ્યારે પણ બંને મિત્રોને અન્ય કોઈ વ્યક્તિનું એકાઉન્ટ મળ્યું હોય ત્યારે તે મોબાઇલમાંથી 18 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના હતા. જયેશ વણઝારાના મોબાઈલ પાસવર્ડ તેમજ બેંકની તમામ ડીટેલથી બંને મિત્રો માહિતગાર હતા અને બંને મિત્રોને પૈસાની જરૂર હોવાથી તેમના દ્વારા છેલ્લા ચારથી પાંચ દિવસથી જયેશને હત્યા નીપજાવી તેમના એકાઉન્ટમાં રહેલા રૂપિયા પડાવી લેવાનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.