December 29, 2024

Rajkot અગ્નિકાંડ બાદ હવે Surat તંત્ર હરકતમાં, ફાયર NOC બાબતે તપાસના આદેશો

અમિત રૂપાપરા, સુરત: રાજકોટના ગેમઝોનમાં આગની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC બાબતે અલગ અલગ જગ્યાઓ જેવી કે શોપિંગ મોલ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તેમજ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં સુરતમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવાના આદેશો આપ્યા છે.

મહત્વની વાત છે કે, તક્ષશિલા અગ્નિકાંડને પાંચ વર્ષ પહેલા થયો હતો. તેને હજુ પણ સુરતના લોકો ભૂલી શક્યા નથી. આ ઘટનામાં ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગવાની ઘટના બાદ 22 બાળકોના મોત થયા હતા. આજે પણ આ બાળકોના માતા-પિતા ન્યાય માટે લડત લડી રહ્યા છે. તો રાજકોટની ઘટના પરથી બ્રહ્મજ્ઞાન મેળવીને સમગ્ર રાજ્યમાં નગરપાલિકા મહાનગરપાલિકા તેમજ ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી અને ફાયરના સાધનો બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Fake CBI: સાયબર ક્રાઈમે છેતરપિંડી કરનાર બે આરોપીઓને દબોચ્યા

રાજકોટની ઘટના બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 120 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને સુરતની અલગ અલગ શાળામાં એન્ટ્રી એક્ઝિટ તથા ફાયર એનઓસીની વિગતો બાબતે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરતની શાળાઓમાં સ્કૂલ સેફટી પોલીસી 2016 અંતર્ગત તમામ નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતોને લઈને શિક્ષણ અધિકારી દ્વારા બનાવવામાં આવેલી ટીમો તપાસ કરશે અને ત્યારબાદ રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને આપશે. જો કોઈ શાળામાં ફાયર સેફટીના સાધનોમાં કોઈ ક્ષતિ હશે અથવા તો ફાયર એનઓસી નહીં હોય તો આવી શાળાનો રિપોર્ટ શિક્ષણ અધિકારી દ્વારા સુરત મહાનગરપાલિકાને કરવામાં આવશે.

તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ શાળાઓમાં વેકેશનનો માહોલ છે પરંતુ શાળા શરૂ થયા બાદ આગની ઘટનાઓમાં કે અન્ય ઘટનાઓમાં કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે બાબતે બાળકોને માહિતી મળી રહે તે માટે અલગ અલગ કેમ્પનું આયોજન કરવામાં આવશે ઉપરાંત શાળાના શિક્ષકો તેમજ આચાર્યોને પણ આ બાબતે તાલીમ આપવામાં આવશે.