December 24, 2024

ચીનની અવળચંડાઈ! PMની અરૂણાચલ મુલાકાત બાદ 30 જગ્યાના નામ બદલ્યાં

અમદાવાદ: અરૂણાચલ પ્રદેશને લઈને ચીને ફરી એક વખત વિવાદીત પગલું ભર્યું છે. ચીને અરૂણાચલ પ્રદેશની 30 જગ્યાઓ પોતાની ગણાવી હતી. તેને ચાઈનીઝ નામ આપ્યાં છે. આ પહેલાં પણ ચીને દાવા કર્યો હતો કે, અરૂણાચલ પ્રદેશ તેમનો ભાગ છે. જેના પર હાલમાં જ ભારતના વિદેશમંત્રીએ જવાબ આપતા કહ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે, હતો અને રહેશે.

ભારત સતત ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તેમ છતાં ચીન પોતાની આદતથી પીછેહઠ નથી કરી રહ્યું. તેના બદલે તે અરુણાચલ પ્રદેશમાં સતત તેની છાપ વિસ્તારી રહ્યું છે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે આ સ્થળોનાં નામ અને ભૌગોલિક સ્થાનો પણ જાહેર કર્યા છે. અરુણાચલ પ્રદેશના 30 સ્થળો પર ચીને વાહિયાત દાવા કર્યા છે. તેમાં 11 રહેણાંક વિસ્તારો, 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પાસ અને ત્યાં ખાલી જમીન છે.

ચીને અરુણાચલ પ્રદેશનું નામ બદલી નાખ્યું
ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરતા કહ્યું કે, તેનું નામ જીજાંગ રાખે છે, આ સાથે હવે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ચીની નાગરિક બાબતોના મંત્રાલયે શનિવારે અરુણાચલ પ્રદેશમાં 30 વધુ સ્થળોના નામ બદલી નાખ્યા છે. જેને તે ઝંગનાન અથવા તિબેટનો ભાગ કહે છે. જેમાં 11 રહેણાંક વિસ્તારો, 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પાસ અને એક ખાલી જમીન છે. જો કે જે જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે તેના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. આ વિસ્તારોના નામ ચાઈનીઝ અક્ષરો તિબેટીયન લિપિમાં છે.

PMની મુલાકાત બાદ દાવો
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને પીએમ મોદીએ હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું, જે બાદ ચીન સ્તબ્ધ થઈ ગયું છે. પીએમની મુલાકાત પછી ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ ઝાંગ શિયાઓગાંગે 15 માર્ચે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તે ભારતીય નેતાઓની અરુણાચલની મુલાકાતનો વિરોધ કરે છે. જે બાદ ચીનનું આ નિવેદન સામે આવ્યું છે. જેમાં ચીને કહ્યું હતું કે જીજાંગ (અરુણાચલ પ્રદેશનું ચીની નામ) ચીનનો એક ભાગ છે અને ચીન ભારતના કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકારશે નહીં અને તેનો સખત વિરોધ કરશે.