May 20, 2024

કરી લો આટલું કામ તો 40 પછી ચશ્મા પહેરવાની નહીં પડે જરૂર

જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આપણા શરીરમાં વિવિધ ફેરફારો જોવા મળે છે, જેમાં શરીરના અન્ય અંગોની સાથે આંખોના સ્વાસ્થ્યમાં પણ ફેરફાર જોવા મળે છે. ઉંમર પ્રમાણે આંખના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે 40 વર્ષની ઉંમરમાં પ્રવેશી રહ્યા હોય. રોજિંદી વસ્તુઓને કારણે આંખોના સ્વાસ્થ્ય પર ખૂબજ ખરાબ અસર પડે છે, જેના કારણે આંખોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેથી જો તમારી પણ ઉંમર 40 વર્ષની થઇ રહી છે અને તમારી આંખોને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમારી સાથે આંખોને સ્વસ્થ રાખવા અને રોશનીની સમસ્યાઓથી બચવા માટે કેટલીક ટિપ્સ શેર કરી રહ્યાં છીએ.

આંખનું સમયસર ચેકઅપ
40 વર્ષની ઉંમર પછી આંખોની તંદુરસ્તી જાળવવા માટે તમારે થોડા થોડા સમયે તમારી આંખોની તપાસ કરાવવી જરૂરી છે. તેનાથી આંખોમાં થતી કોઈપણ સમસ્યા સમયસર જાણી શકાશે અને ભવિષ્યમાં તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

પોષક તત્ત્વોથી ભરપૂર આહાર લો
આંખોની તંદુરસ્તી માટે ખોરાકમાં પરેજી રાખવી જરૂરી છે. આહારમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરો. જે તમારા એકંદર સ્વાસ્થ્ય તેમજ તમારી આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. આહારમાં વિટામિન સી, લીલા પાંદડાવાળા શાકભાજી અને માછલી, પાલક, નારંગી જેવી વસ્તુઓનો સમાવેશ કરો. જેથી આંખોને પોષક તત્ત્વો ભરપૂર મળી રહે.

હાઇડ્રેટેડ રહો
જીવનમાં પાણી પીવું ખૂબજ જરૂરી છે અને તેના અનેક ફાયદા પણ છે. આંખો અને આરોગ્ય માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. પૂરતી માત્રામાં પાણી પીવાથી આંખોમાં શુષ્કતાની સમસ્યા દૂર થાય છે, જેનાથી આંખોને આરામ મળે છે.

ધૂમ્રપાન છોડો
ધ્રૂમપાનને કારણે આપણા આરોગ્યને ખૂબજ નુકસાન થાય છે. ધૂમ્રપાન એ ઘણા રોગોનું મુખ્ય કારણ છે. આ ખાસ કરીને આંખોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. ધ્રૂમપાનને કારણે મોતિયા, ઓપ્ટિક નર્વ ડેમેજ, દ્રષ્ટિ ગુમાવવી અને અંધત્વની જેવી સમસ્યા વધે છે.

સ્ક્રીન ટાઈમ મેનેજ કરો
ટીવી સ્ક્રીન, લેપટોપ કે કમ્પ્યુટર સામે વધુ બેસી રહેવાથી આંખોને નુકસાન થાય છે. સ્ક્રીન પર લાંબા સમય સુધી જોવાથી આંખોના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. સ્ક્રીન સામે બેસી રહેવામાં દર કલાકે 20-મિનિટનો વિરામ લો.