ઓડિશામાં 46 વર્ષ બાદ આજે ખોલવામાં આવશે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર, મળનાર વસ્તુઓનું શું કરવામાં આવશે?
Jagannath Temple: ઓડિશામાં પૂરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો બહુચર્ચિત ખજાનો ‘રત્ન ભંડાર’ આજે ખોલવામાં આવશે. રાજ્ય સરકાર આભૂષણો અને અન્ય કિંમતી સમાનનું લિસ્ટ બનાવવા માટે આ ખજાનાને 46 વર્ષ બાદ ખોલી રહી છે. આ પહેલા આ રત્ન ભંડાર વર્ષ 1978માં ખોલવામાં આવ્યો હતો. ઓડિશાન કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું કે રત્ન ભંડાર ખૂલ્યા બાદ કેટલા અને કયા કયા રેકોર્ડ બનશે, સાથે જ એમ પણ જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા કોની દેખરેખમાં કરવામાં આવશે.
જગન્નાથ મંદિરના મુખ્ય સંચાલકની દેખરેખમાં થશે કામગીરી
મંત્રી હરિચંદને જણાવ્યું છે કે 14 જુલાઇના રોજ એટલે આજે ભગવાન જગન્નાથ મંદિરના રત્ન ભંડાર ખૂલવા જઈ રહ્યું છે. ઓડિશાના મુખ્યમંત્રીએ તેના માટેની અંતિમ મંજૂરી પણ આપી દીધી છે. રાજ્ય સરકારે મંદિર વ્યવસ્થાપન સમિતિ માટે તમામ SOP જાહેર કરી દીધી છે અને તેના આધારે જ તમામ કામગીરી કરવામાં આવશે. ભંડાર ફરી ખોલવા માટે અને ઇન્વેન્ટરી માટે તમામ કાર્યો પૂર્ણ કરવા માટે કરવામાં પ્રક્રિયા પણ નક્કી કરી દેવામાં આવી છે.. શ્રી જગન્નાથ મંદિર ઓથોરીટીના મુખ્ય સંચાલકને આ તમામ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.
રિઝર્વ બેન્કને પણ કામગીરીમાં સામેલ કરવામાં આવી
મંત્રીએ વધુમાં જણાવ્યું કે પહેલાંની સરકારો જે કામ 24 વર્ષમાં ન કરી શકી તે હવે થઈ રહ્યું છે. આ તમામ પ્રક્રિયામાં પારદર્શિતા રાખવા માટે ભારતીય રિઝર્વ બેન્કને પણ સામેલ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો જેને સ્વીકારવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કના એક પ્રતિનિધિને આ કામગીરીમાં સામેલ કરવામાં આવશે છે.
દરેક કામ માટે અલગ અલગ ટીમો
કાયદા મંત્રીએ જણાવ્યું કે દરેક કામગીરી માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. ઘરેણાંની ગણતરી પછી એક ડિજિટલ કેટલૉગ બનાવવામાં આવશે, જેમાં ઘરેણાંના ફોટા, તેમના વજન, ક્વોલિટી અને અન્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોની સાથે એક ડિજિટલ કેટલૉગ બનાવવામાં આવશે. ડિજિટલ કેટલૉગ એક રેફરન્સ ડોક્યુમેન્ટ રહેશે. જ્યારે પણ આગામી દિવસોમાં ફરીથી ગણતરી કરવામાં આવશે તો તેમાંથી આ કેટલૉગની મદદ મળશે.
રત્ના ભંડારમાં 12,831 તોલા સોનાના ઘરેણાં
આ પહેલા પુરીના જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) આ તકનો મંદિરના સમારકામ તરીકે ઉપયોગ કરશે. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી 16 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિએ 14 જુલાઈએ રત્ન ભંડાર ખોલવાની ભલામણ કરી હતી. 2018માં રાજ્ય વિધાનસભામાં કહેવામાં આવ્યું હતું કે રત્ન ભંડારમાં 12,831 તોલાના સોનાના દાગીના હતા. આ કિંમતી રત્નોથી જડેલા છે અને તેમાં 22,153 તોલા ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓ પણ છે.
ભાજપે ભંડાર ખોલવાનું આપ્યું હતું વચન
ભાજપે ઓડિશામાં સત્તા પર આવતા જ 12મી સદીના મંદિરનો રત્ન ભંડાર ખોળવાનો વાયદો કર્યો હતો. મંદિરનો રત્ન ભંડાર છેલ્લે 46 વર્ષ પહેલા 1978માં ખોલવામાં આવ્યો હતો. રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન તેનું ફરીથી ખોલવું એ મુખ્ય રાજકીય મુદ્દો હતો.