November 18, 2024

સરકાર બન્યાના 10 દિવસ બાદ ભાજપને ઝટકો, ભજનલાલ સરકારના આ મંત્રીની થઈ હાર

રાજસ્થાનની ભજનલાલ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. શ્રીગંગાનગર જિલ્લાની શ્રીકરણપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવારે થોડા દિવસ પહેલા મંત્રી બનેલા ઉમેદવારને 12 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના ઉમેદવારને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો : ઓડિશાના ચિલ્કા તળાવમાં ફસાયા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, 2 કલાક સુધી ફસાઈ બોટ

કોંગ્રેસે શ્રીકરણપુરથી ગુરમીત સિંહ કુન્નરના પુત્ર રુપિન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપે સુરેન્દ્રપાલ સિંહ ટીટીને મેદાનમાં ઉતાર્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે સુરેન્દ્રપાલ સિંહને 10 દિવસ પહેલા જ ભજનલાલ સરકારમાં મંત્રી તરીકે સ્થાન મળ્યું હતું. આવી સ્થિતિમાં ભાજપ તેમને ઉમેદવાર બનાવીને જીત હાંસલ કરવા પ્રયત્નશીલ હતી, પરંતુ પાર્ટીની બાજી પલટાઈ ગઈ. કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દર સિંહ કુન્નરે પેટાચૂંટણીમાં મંત્રી સુરેન્દ્રપાલ સિંહ ટીટીને હરાવ્યા છે.

અશોક ગેહલોતે રૂપિન્દર સિંહને અભિનંદન પાઠવ્યા

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે શ્રીકરણપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રુપિન્દર સિંહ કુન્નરને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. ગેહલોતે એક્સ પર પોસ્ટ કરી લખ્યું કે, આ જીત સ્વ. ગુરમીત સિંહ કુન્નરના જનસેવા કાર્યને સમર્પિત છે. વિસ્તારના લોકોએ ભાજપના ગૌરવને હરાવ્યું છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારને મંત્રી બનાવીને આચારસંહિતા અને નૈતિકતાનો ભંગ કરનાર ભાજપને લોકોએ પાઠ ભણાવ્યો છે.

આ પણ વાંચો : 8 મહિલા પોલીસકર્મીઓ પર વરિષ્ઠ અધિકારીઓએ કર્યો બળાત્કાર, મુખ્યપ્રધાનને લખેલો પત્ર વાયરલ
શ્રીકરણપુર પેટાચૂંટણી માટે 5 જાન્યુઆરીએ મતદાન થયું હતું

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ગત મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલીન ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરનું નિધન થયું હતું. આ પછી ચૂંટણી પંચે શ્રીકરણપુર સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરી. શુક્રવારે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું અને સોમવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.