January 22, 2025

રાષ્ટ્રગીત દરમિયાન ઉભા ન થયા અફઘાનિસ્તાનના અધિકારીઓ… લાલઘૂમ થયા પાકિસ્તાનીઓ

Pakistan: ઇસ્લામિક પયગંબર મોહમ્મદના જન્મદિવસ ઇદ મિલાદ ઉન નબીના અવસર પર મંગળવારે પાકિસ્તાનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અફઘાન રાજદૂતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જ્યારે પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે અફઘાન અધિકારીઓ પોતાની જગ્યાએ બેસી રહ્યા અને ઉભા થયા નહીં, જેના કારણે પાકિસ્તાને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો અને અફઘાન રાજદ્વારીઓ પર રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ લગાવ્યો.

આ સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે અફઘાન અધિકારીઓ બેઠા છે અને બાકીના બધા ઉભા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે આ મામલે એક નિવેદનમાં કહ્યું કે યજમાન દેશના રાષ્ટ્રગીતનો અનાદર રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ છે. અફઘાનિસ્તાનના કાર્યવાહક કોન્સ્યુલ જનરલનું આ કૃત્ય નિંદનીય છે. અમે ઈસ્લામાબાદ અને કાબુલ બંનેમાં અફઘાન સત્તાવાળાઓ સમક્ષ અમારો સખત વિરોધ વ્યક્ત કરી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું હતું
અફઘાન અધિકારીઓને ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે આમંત્રણ આપ્યું હતું. આ મામલે અફઘાન વાણિજ્ય દૂતાવાસ પેશાવરના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરતા કહ્યું કે પાકિસ્તાનના રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું, ‘રાષ્ટ્રગીતમાં સંગીત હોવાથી અફઘાન કોન્સ્યુલ જનરલ જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે ઊભા થયા ન હતા.

અપમાન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી
આટલું જ નહીં, અફઘાન કોન્સ્યુલેટના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે અમે સંગીતના કારણે અમારા પોતાના રાષ્ટ્રગીત પર પ્રતિબંધ મૂક્યો છે. અફઘાન રાજદ્વારીઓ દેખીતી રીતે રાષ્ટ્રગીતના સન્માનમાં તેમની છાતી પર હાથ રાખીને ઉભા થયા હોત જો તે સંગીત વિના વગાડવામાં આવ્યું હોત. તેથી યજમાન દેશ (પાકિસ્તાન)ના રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

આ પણ વાંચો: હિઝબુલ્લાહના આતંકવાદીઓએ પેજર્સ ક્યાંથી ખરીદ્યા, તાઈવાનની કંપનીએ આપ્યો જવાબ