July 7, 2024

મગફળીમાં આવતા સફેદ ઘૈણ રોકવા કૃષિ યુનિવર્સિટીની સલાહ

જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં મગફળીનુ વાવેતર વધુ જોવા મળે છે. અને આ પાકમાં જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં મગફળીમાં સફેદ ઘૈણ(મુંડો)નો ઉપદ્રવ વધુ જોવા મળે છે. તેને અનુલક્ષીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સંશોધન નિયામક ડૉ. આર.બી.માદરીયા અને જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, કિટશાસ્ત્ર વિભાગના સહ સંશોધન વૈજ્ઞીનિક ડૉ. ડી.એમ.જેઠવા દ્વારા મગફળીનું વાવેતર કરતા સર્વે ખેડુતોને સફેદ ઘૈણ(મુંડા) ના નિયંત્રણ માટે જૂનાગઢ કૃષિ પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણના આધારે કેટલાક ઉપાયો જણાવેલ છે.

ખેતરના શેઢાપાળા પરના ઝાડ પર સફેદ ધૈણના પુખ્ત ઢાલિયા કીટકોના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 ટકા ઇ.સી. દવાનો (15 લીટર પાણીમાં 20 મિલી પ્રમાણે) છંટકાવ કરવો. સફેદ ઘૈણના પુખ્ટ કીટકને પકડવા રાત્રીના સમયે પ્રતિ વિઘામુજબ પ્રકાશ પિંઝર ગોઠવવા. મુંડો અસરકારક રીતે દુર કરવા વિઘે 1.5 કિલો ગીર સાવજ બ્યુવેરીયા અથવા ગીર સાવજ મેટારીઝીયમ 50 કિલો એરંડીના ખોળ સાથે ભેળવી જમીનમાં આપવું.

મગફળીના ઉગવાના 30 થી 35 દિવસ બાદ 1.5 કિલો ગીર સાવજ બ્યુવેરીયા અથવા ગીર સાવજ મેટારીઝીયમ એક વિઘા મુજબ જમીનમાં પાણી સાથે આપવા. અને જો ઉભા પાકમાં ઉપદ્રવ જોવા મળે તો ક્લોરપારીફોસ 10 જી દાણાદાર દવા 1 થી 1.5 કિલો પ્રતિ વિઘા મુજબ અથવા કાર્બોફ્યુરન 3જી દાણાદાર દવા 4-5 કિલો પ્રતિ વિઘા મુજબ રેતી સાથે ભેળવી જમીનમાં આપી શકાય તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.