December 24, 2024

વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપનો લાભ લઈ જેલમાંથી ફરાર થયેલો આરોપી 23 વર્ષે ઝડપાયો

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં અનેક આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે વર્ષ 2001માં ભુજમાં આવેલા વિનાશકારી ભૂકંપનો લાભ ઉઠાવીને જેલમાંથી ફરાર થઈ ગયેલા અને સુરતના અલગ-અલગ વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી કરનાર આરોપીને 23 વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાનના બાલોતરાથી ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગતા ફરતા આરોપીને પકડવાની જે ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે તે અંતર્ગત વાહન ચોરીના ગુનામાં ભાગતા ફરતા વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મોબાઈલ સ્નેચિંગ સ્કોડના PSI અને તેમની ટીમના માણસોએ બાતમીના આધારે કેદાર ઉર્ફે રાજુ બારીક નામના ઈસમની રાજસ્થાનના બાલોતરામાં બાડમેર જોધપુર બાયપાસ નજીક આવેલી એલ એન્ડ ટી રિફાઇનરીમાંથી ધરપકડ કરી છે.

આરોપી કેદાર ઉર્ફે રાજુ બારીકે વર્ષ 1998થી 2000માં પોતાના સાગરીતો સાથે મળી સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મોટરસાયકલોની ચોરી કરી હતી અને આ ગુનામાં તેની ધરપકડ થતા આરોપીને સુરત શહેર પોલીસ દ્વારા પાસા હેઠળ 3 જાન્યુઆરી 2001ના રોજ પાલારા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં જે વિનાશ કરી ભુકંપ આવ્યો હતો તેને લઈને જેલનો અમુક ભાગ પણ નાશ થયો હતો અને આ ભૂકંપની ઘટનાનો લાભ ઉઠાવી આરોપી કેદાર ઉર્ફે રાજુ બારીક જેલમાંથી ભાગી ગયો હતો અને આ બાબતે ભુજ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરત પોલીસ દ્વારા શહેરમાં ભીખ માંગતા અને સફાઈ કરતા 36 બાળકોનું રેસ્ક્યુ કરાયું

પોલીસથી બચવા માટે રાજુ અલગ-અલગ શહેરોમાં ભાગતો ફરતો હતો અને તે મજૂરી કામ કરતો હતો અને પોલીસ તેના સુધી પહોંચી ન શકે એટલા માટે તે બે ત્રણ મહિના મોબાઇલનું સીમકાર્ડ ઉપયોગ કરી નવું સિમ કાર્ડ ખરીદી લેતો હતો. રાજુ ઉર્ફે કેદારને પકડવો પોલીસ માટે પડકારરૂપ હતું કારણ કે તે અગાઉ 31 જેટલા ગુનામાં પકડાઈ ગયો હોવાના કારણે પોલીસ કઈ રીતે આરોપીને પકડે છે તે તમામ બાબતોનું તેને નોલેજ હતું અને એટલા માટે તે પોલીસથી બચવા માટે અલગ અલગ તરકીબ અપનાવતો હતો.

આરોપી પોતાના કામ માટે વતન જતો હતો અને કોઈ વ્યક્તિ તેને જોઈ ન જાય એટલા માટે તે પોતાના ઘરની બહાર પણ નીકળતો ન હતો. તે પોતાનું કામ પૂરું થયા બાદ તરત જ પોતાના ઘરેથી નીકળી જતો હતો. પોલીસ દ્વારા અનેક વખત આરોપીની શોધ કરવામાં આવી પરંતુ તે પોતાના ઘરે પણ મળી આવતો ન હતો અને એની ભાળ પણ મળતી ન હતી. પોલીસે અંતે એવું માની લીધું હતું કે આરોપી મૃત્યુ પામ્યો છે ત્યારબાદ આરોપીની શોધખોળ બંધ થઈ ગઈ પરંતુ એક મહિના પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ભુજ જેલમાંથી ફરાર થયેલો આરોપી કેદારો ઉર્ફે રાજુ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પંચપદરા તાલુકામાં આવેલ એલ એન્ડ ટી કંપનીની રિફાઇનરીમાં નોકરી કરે છે અને બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વેસ્ટ પલટો કરી આરોપીને પકડવાની તૈયારી કરી.

મહત્વની વાત છે કે આ કંપનીમાં 30 હજાર જેટલા કર્મચારી કામ કરતા હતા એટલે આરોપીને પકડવો એક પડકાર રૂપ હતો છતાં પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્કર સુપરવાઇઝર તરીકેનો વેશ પલટો કર્યો હતો અને ત્યારબાદ બે દિવસ સુધી આરોપીની તમામ ગતિવિધિ પર નજર રાખી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

કેદાર ઉર્ફે રાજુના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો તેની સામે ઓડિશાના ખલીકોટ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ છે. આ ઉપરાંત સુરતના અથવા પોલીસ સ્ટેશનમાં 3, ઉમરા પોલીસ સ્ટેશનમાં 3, સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 1, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં 1, રાંદેર પોલીસ સ્ટેશનમાં 1, વરાછા પોલીસ સ્ટેશનમાં 3 અને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચોરીના 17 ગુના દાખલ થયા છે. આમ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે 31 અને ઓડિશાના ખલીકોટ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો આમ કુલ 31 ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને 23 વર્ષ બાદ સફળતા મળી છે.