September 20, 2024

પારદેશ્વર મહાદેવ મંદિરમાં કરો પારામાંથી બનાવેલ અલૌકિક શિવલિંગના દર્શન

અમિત રૂપાપરા, સુરત: પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. ત્યારે સુરતના એવા અલૌકિક શિવલિંગની વાત કરવી છે કે, તેના દર્શનથી મુશ્કેલી અને બીમારીઓ દૂર ભાગે છે. આ શિવલિંગ મર્ક્યુરી એટલે પારામાંથી બનાવવામાં આવ્યું છે અને તેને ભારતનું સૌથી વધુ વજન ધરાવતું શિવલિંગ પણ કહેવામાં આવે છે. આ શિવલિંગ સુરતના અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત કરાયો છે અને દેશ-વિદેશથી લોકો પારદેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે.

સુરત શહેર તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને તાપી નદીના કિનારે અનેક મંદિરો આવેલા છે. ત્યારે સુરતના પાલ વિસ્તારમાં તાપી નદીના કિનારે અટલ આશ્રમમાં ભગવાન શિવનું અલૌકિક શિવલિંગ જોવા મળે છે. આ શિવલિંગનું વજન 2351 કિલો છે અને આ શિવલિંગને પારદેશ્વર શિવલિંગના નામથી ઓળખવામાં આવે છે.

આ શિવલિંગ ભારતનું સૌથી વજનદાર શિવલિંગ પણ કહેવામાં આવે છે અને શિવલિંગમાં 1851 કિલો મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શિવલિંગની સાથે 600 કિલો વજનની પિત્તળની પાઇપલાઇન જમીનમાં બોર કરીને ઉતારવામાં આવી છે. 45 ફૂટ ઊંડી આ પાઇપલાઇનની સાથે એક તાંબાનો તાર અને તેની સાથે એક બેલ બાંધવામાં આવ્યો છે અને આ બેલ ભૂગર્ભ જળને સ્પર્શ કરે તે પ્રકારે મૂકવામાં આવ્યો છે અને આ જ કારણે આ શિવલિંગને જાગતું શિવલિંગ પણ કહેવામાં આવે છે.

આ શિવલિંગને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પણ એક વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે, પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી જીવનમાં આવતી મુશ્કેલી અને બીમારી દૂર થાય છે. પાલ વિસ્તારના અટલ આશ્રમમાં પારદનું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર હોવાથી આ મંદિરને પારદેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે.

દેશ વિદેશથી લોકો આ શિવલિંગના દર્શન કરવા માટે ઉમટે છે. મંદિરના મહંત બટુકગીરી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ શિવલિંગની અનોખી મહિમા છે અને અનેક બીમારીથી પીડિત લોકો પણ ભગવાનના દર્શન કરવાથી સાજા થયા છે. આ મંદિરનું શિવલિંગ અતિ દુર્લભ માનવામાં આવે છે અને આઠ પ્રકારની ધાતુમાં સૌથી શ્રેષ્ઠ ધાતુ મર્ક્યુરી એટલે પારો ગણાય છે અને આ મર્ક્યુરીમાંથી આ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, માત્ર સંકલ્પ લેવાથી અને સાચા હૃદયથી ભગવાન ભોલેનાથ અને પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન શિવ તેના ભક્તો પર આશીર્વાદની વર્ષા કરતા હોય છે.