December 26, 2024

આદિવાસી બેલ્ટમાં ભાજપનું મોટું મિશન પૂરું, નારણ રાઠવા ભાજપમાં જોડાશે

adivasi politician naran rathwa will join bjp

નારણ રાઠવા - ફાઇલ તસવીર

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં રીતસરનો ભરતી મેળો ચાલુ થયો હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પહેલા આદિવાસી બેલ્ટમાં ભાજપે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાવવાના છે.

સૂત્રોનું માનીએ તો, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ ઓપરેશન પાર પાડ્યું છે. પાંચ વખત લોકસભા સાંદસ અને UPA સરકારમાં રેલવે રાજ્યમંત્રી રહી ચૂકેલા નારણ રાઠવા ભાજપમાં જોડાશે. મોહન રાઠવા બાદ ભાજપનું આદિવાસી બેલ્ટમાં બીજું મોટું ઓપરેશન છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નારણ રાઠવાનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે.

તેમના રાજકીય જીવનની વાત કરીએ તો, હાલમાં 67 વર્ષના નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ બન્યા હતા. વર્ષ 1989માં લોકસભાની ચૂંટણી જીતી પહેલીવાર સાંસદ બન્યા હતા અને સંસદમાં પહોંચ્યા હતા. ત્યારબાદ સતત વર્ષ 1991, 1996, 1998 અને 2004માં પણ ચૂંટણી જીત્યા હતા.

વર્ષ 2004થી 2009 વચ્ચે UPA સરકારમાં તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. યુપીએ સરકારમાં તેમને રેલવે રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં રાઠવા ભાજપના રામસિંહ રાઠવા સામે ચૂંટણી હાર્યા હતા. ચૂંટણી હાર્યા બાદ તેમણે 10 વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું નહોતું. ત્યારબાદ વર્ષ 2018માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જેનો કાર્યકાળ હાલમાં જ પૂરો થયો છે.