February 23, 2025

અદાણી અમદાવાદ-મુંબઈમાં 1000 બેડની બે હોસ્પિટલ-મેડિકલ કોલેજ બનાવશે

એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે અદાણી હેલ્થ સિટી લોન્ચ કરી છે. ઉપરાંત મુંબઈ અને અમદાવાદમાં બે મેડિકલ કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અદાણીએ મેયો ક્લિનિક સાથે ભાગીદારી કરી છે. આ બંને મેડિકલ કોલેજોમાં 1000 બેડ હશે. અદાણીએ જાહેરાત કરી છે કે તેઓ અમદાવાદ અને મુંબઈમાં આ પ્રથમ બે મેડિકલ કોલેજોના નિર્માણ માટે વધુ 6000 કરોડ રૂપિયાનું દાન કરશે. ગૌતમ અદાણી ભારતભરના શહેરો અને નગરોમાં આવા વધુ અદાણી હેલ્થ સિટી બનાવવાની યોજના ધરાવે છે.

શું છે યોજના
માહિતી અનુસાર, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના પોર્ટ-ટુ-એનર્જી ગ્રુપ ભાગીદારીના પ્રારંભિક તબક્કામાં $1.6 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. જેમાં બે આરોગ્ય કેમ્પસનું નિર્માણ પણ સામેલ છે. આ ભાગીદારી હેઠળ જૂથ તેની હેલ્થકેર પેટાકંપની દ્વારા અદાણી હેલ્થ સિટી શરૂ કરશે. અદાણી ગ્રુપ વૈશ્વિક ધોરણો મુજબ સસ્તી તબીબી સંભાળ અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવાની યોજના ધરાવે છે. આ જૂથ પ્રારંભિક તબક્કામાં કુલ $1.6 બિલિયનનું રોકાણ કરી શકે છે, જેમાં બે આરોગ્ય સંકુલના બાંધકામનો ખર્ચ પણ શામેલ છે. આગામી દિવસોમાં વધુ કેમ્પસ શરૂ થઈ શકે છે.

સુવિધાઓ શું હશે?
અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હોસ્પિટલોમાં 1000 બેડ હશે. આ મેડિકલ કોલેજ વાર્ષિક 150 સ્નાતકો, 80+ રેસિડેન્ટ ડોક્ટર અને 40+ ફેલોને પ્રવેશ આપશે. અદાણી ગ્રુપે આ બંને હોસ્પિટલોમાં સંગઠનાત્મક ઉદ્દેશ્યો અને ક્લિનિકલ પ્રેક્ટિસ અંગે વ્યૂહાત્મક સલાહ પૂરી પાડવા માટે મેયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગ (મેયો ક્લિનિક), યુએસએની નિમણૂક કરી છે. મેયો ક્લિનિક ડિજિટલ અને આઇટી અને આરોગ્ય સેવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેકનોલોજીના એકીકરણ પર પણ માર્ગદર્શન આપશે.

60 હજાર કરોડનું વચન આપવામાં આવ્યું
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં મારા 60મા જન્મદિવસ પર ભેટ તરીકે મારા પરિવારે આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસને સુધારવા માટે 60,000 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. અદાણી હેલ્થ સિટી આ શ્રેણીનું પ્રથમ પગલું છે. જે ભારતીય સમાજના દરેક વર્ગના લોકોને સસ્તી, વિશ્વસ્તરીય આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે ખૂબ મદદ કરશે. મને વિશ્વાસ છે કે વિશ્વની સૌથી મોટી મેડિકલ ગ્રુપ પ્રેક્ટિસ, મેયો ક્લિનિક સાથેની અમારી ભાગીદારી રોગ સંભાળ અને તબીબી નવીનતા પર વિશેષ ભાર મૂકે છે. જે ભારતમાં અદ્યતન મેડિકલ ઈનોવેશનને વધારવામાં મદદ કરશે.