ધારાસભ્યના નામે ફેક એકાઉન્ટ બનાવી પૈસા પડાવતી મેવાતી ગેંગના આરોપી ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ફેક એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી પૈસા પડાવતી મેવાતી ગેંગના બે આરોપીની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીઓ રાજકીય નેતા, IPS અને IAS અધિકારીઓના નામે પૈસા પડાવ્યા હતા. મદદ અને નોકરી આપવાના બહાને આ ઠગ ટોળકી લોકો સાથે છેતરપિંડી કરતી હતી. પકડાયેલ આરોપી મેવાત ગેંગનો સભ્ય છે, જેનું નામ સરમીન ઉર્ફે કલ્લુ મેવ અને ઝુબેર ખાન છે.
આ આરોપી ગુજરાતના પ્રતિષ્ઠિત રાજકીય નેતા તથા અધિકારીઓના જુદા જુદા નામથી સોશિયલ મીડિયાની એપ્લિકેશનમાં ફેક આઇ ડી બનાવી તેના દ્વારા લોકોનો સંપર્ક કરીને તેને ખોટી ઓળખ આપી છેતરપીંડી આચરતા હતા. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો ફેક એકાઉન્ટ બનાવી તે વ્યક્તિના ફોલોઅર્સ અને મિત્રો તેમજ સગા સબંધીઓને મેસેજ કરીને પૈસાની જરૂરિયાત હોવાથી મદદ માગતા હતા. પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાના કારણે લોકો વિશ્વાસમા આવી જતા હતા અને પૈસાની મદદ કરતા હતા, આ ઉપરાંત આ ગેંગ લોકોને કંપનીમાં નોકરી આપવાના બહાને પણ ઠગાઈ કરતી હતી. ગુજરાતના ધારાસભ્ય અમિત ઠાકરનું ફેક એકાઉન્ટ બનાવીને ઠગાઈ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ એનાલિસિસ આધારે રાજસ્થાનના કિશનગઢથી આરોપીની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમ બ્રાન્ચના એસપીએ જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી સરમિન ઉર્ફે ક્લ્લું મુખ્ય આરોપી છે, જેણે ધારાસભ્ય અમિત ઠાકરનું ફેક એકાઉન્ટ બનાવીને નટરાજ પેન્સિલની કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા. આ આરોપીએ અભ્યાસ ધોરણ 9 સુધી કરેલો છે અને તેની સાથે ગેંગના અન્ય આરોપીની સંડોવણી સામે આવી છે. આ મેવાત ગેંગએ 47 જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં IPS સફિન હસન, ડો. લવિના સિન્હા, હરેશ દુધાત , શમેશર સિંગ અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને કેટલાક IAS અધિકારીઓનાં પણ ફેક એકાઉન્ટ બનાવીને લાખો રૂપિયા પડાવ્યા છે, જોકે આરોપીનાં મોબાઈલમાંથી અનેક ફેક પ્રોફાઈલ મળી આવી છે જે પોતાના મોબાઈલથી ઓપરેટર કરતો હતો. મહત્વનું છે કે આ ગેંગ દ્વારા અલગ અલગ કામ ગેંગના સભ્યોને સોપવામાં આવે છે, જેમાં મોબાઈલના સીમ, ફેક એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની જવાબદારી સોંપતી હોય છે જેની માટે તેમને તાલીમ પણ આપવામાં આવતી હતી. વધુમાં જણાવ્યું કે આરોપીના મોબાઈલ કબજે કરીને એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યા છે, આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે અને કેટલાની છેતરપિંડી કરી છે જે મુદ્દે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.