January 6, 2025

બિલ્કીસ બાનો કેસના ત્રણ દોષિતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, સરેન્ડરની મુદત વધારવાની કરી માંગ

BilkisBano- NEWSCAPITAL

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ બાબતે ટિપ્પણી કરતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે, સજા એટલા માટે આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં ગુનાઓ અટકાવી શકાય. ગુનેગારને સુધરવાની તક આપવામાં આવે છે પરંતુ પીડિતાની વેદનાને પણ સમજવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, અમે કાયદાકીય દૃષ્ટિકોણથી મામલાની તપાસ કરી છે. અમે પીડિતાની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી છે. તો હવે આ કેસમાં 11 માંથી ૩ દોષિતોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે.

૩ દોષિતોએ સરેન્ડરનો સમયગાળો વધારવા કરી અરજી

બિલકિસ બાનો કેસના ૩ દોષિતોએ સરેન્ડરનો સમયગાળો વધારવા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે. જેમાથી 3 દોષિતો પૈકી ગોવિંદ નાઈએ સમર્પણ માટે 4 અઠવાડિયાના સમયની માંગ કરી છે, જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચાંદનાએ સમર્પણ માટે 6 સપ્તાહના સમયની માંગ કરી છે. જેને લઇને દોષિતોના વકીલે મામલો જસ્ટિસ બી.વી નાગરત્ના સમક્ષ મુક્યો છે. જસ્ટિસ નાગરત્નાએ આવતીકાલે સુનાવણી માટે તૈયારી દર્શાવી છે.

નિર્ણય લેવાનો અધિકાર મહારાષ્ટ્ર સરકારનો છે

ઉલ્લેખનીય છે કે અગાઉ બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમા જસ્ટિસ નાગરથનાએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે તેમની મુક્તિ અંગે નિર્ણય લેતા પહેલા જે કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવી હતી તેનો અભિપ્રાય લેવો જોઈતો હતો. જે રાજ્યમાં આરોપીઓને સજા કરવામાં આવી હતી તે રાજ્યએ તેમની મુક્તિનો નિર્ણય લેવો જોઈએ. વધુમાં કોર્ટે કહ્યું હતું કે, ગુનેગારોની મુક્તિ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર મહારાષ્ટ્ર સરકારનો હતો, ગુજરાત સરકારનો નહીં.

શું છે મામલો ?

2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બિલકિસ બાનોની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા.