January 27, 2025

અમદાવાદથી આરોપીને ઝડપી વેરાવળ લઈ જતા રસ્તામાં આપઘાત કર્યો, પત્નીએ મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના દુષ્કર્મ અને એસ્ટ્રોસિટી સહિતના ગુન્હાના આરોપીને અમદાવાદથી ઝડપી લઇ વેરાવળ લાવતા રસ્તામાં કેશોદ નજીક હાઇવે હોટલ પર બાથરૂમમાં આરોપીએ પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે એસીડ ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આરોપી ઉંમરની પત્ની મરીયમબેન જીકાણીએ દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલા સામે પોતાના પતીને આપઘાત કરવા મજબૂર બનાવવા બદલ પોલીસ ફરિયાદ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ એક મહિલાએ આરોપી અમાર ઉર્ફે ઉંમર જીકાણી વિરુદ્ધ ફરિયાદ આપેલ જેમાં મહિલાની ફરિયાદમાં આરોપી ઉંમર ઉર્ફે અમાર જેણે એ મહિલા સાથે સંબંધો બાંધી લગ્નની લાલચ આપી અનેક સ્થળોએ સાથે રાખી દૂષ્કર્મ કરેલ. અને પોતાનું ખોટું નામ ઉંમરના બદલે ધવલ બતાવી અને સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ મહિલાને સોશિયલ મીડિયા પરથી જાણવા મળેલ કે આ ધવલ જેનું નામ ઉંમર જીકાણી છે અને તે પરણીત પણ છે. ત્યારે મહિલાએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં અમાર ઉર્ફે ઉંમર જીકાણી સામે દુષ્કર્મ અને એસ્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી ઓમાર ઉર્ફે ઉમર જીકાણી સામે જૂનાગઢમાં આઠ ફરિયાદ અને ગીર સોમનાથમાં પાંચ ફરિયાદ મળી કુલ 13 ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વિશ્વાસઘાત, ધાકધમકી સહિતના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે.

પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં ગીર સોમનાથ એલસીબીની ટીમને માહિતી મળેલ કે આરોપી ઉંમર જીકાણી અમદાવાદ તરફ છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદથી આરોપીને ઝડપી લીધો હતો અને આરોપીને ગીર સોમનાથ લાવી રહ્યા હતા. ત્યારે કેશોદ હાઇવે હોટલ પર આરોપીએ કુદરતી હાજતે જવું છે. તેવું જણાવતા પોલીસે સાથે રાખી અને તેમને બાથરૂમ સુધી લઈ ગયેલ. ત્યારે બાથરૂમમાં સફાઈ માટે રાખેલી એસિડની બોટલ આરોપીએ મોઢામાં લગાવી હતી અને પીવાનો પ્રયાસ કરતા સાથે રહેલ પોલીસે તે બોટલ નીચે પછાડવાનો પ્રયાસ કરતા પોલીસને પણ મોઢા પર એસિડના છાંટા ઉડતા તે પણ દાઝી ગયેલ. બાદમાં આરોપીને કેશોદથી જૂનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં આરોપી ઉંમર જીકાણીનું મૃત્યુ થયું હતું.

આરોપી ઓમાર ઊર્ફે ઉંમરનું મોત થતાં તેમને આપઘાત કરવાની ફરજ પાડનાર અને તેમના વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને એસ્ટ્રોસિટીની ફરિયાદ કરનાર મહિલા પર ઉંમર જીકાણીના પત્નીએ પોલીસ ફરિયાદ બનાવ સ્થળ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. હવે આ બનાવની વિશેષ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહેલ છે.