November 18, 2024

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર અકસ્માત, 10 લોકોનાં મોત

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના શ્રીનગર હાઈવે પર શુક્રવારે રોડ અકસ્માત થયો છે. જેમાં 10 લોકના મોત થયા છે. આ દુર્ધટનાની જાણ થતા પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રામબન જિલ્લામાં શુક્રવારે શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક એસયૂવી કાર લપસીને ઊંડી ખાડીમાં પડી હતી. જેમાં 10 લોકોના મોત થયા છે. જેની જાણકારી અધિકારીઓ દ્વારા મળી છે.

આ પણ વાંચો: જાફરાબાદમાં જૂનવાણી બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, બે લોકોનાં મોત

તેમણે વધુમાં કહ્યું કે, કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી. અને રામબનના બૈટરી ચશ્મા વિસ્તારમાં મોડી રાત્રે 1.15 વાગ્યે 300 ફૂટ ઊંડી ખાડીમાં પડી હતી. અધિકારીઓએ આ અંગે કહ્યું હતું કે, દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા છે. ઘટનાની સૂચના મળતાની સાથે પોલીસ અને એસડીઆરએફના જવાનો દુર્ધટના સ્થળ પર પહોચ્યા હતા. ભારી વરસાદની વચ્ચે આ 10 લોકોના મૃતદેહ મળ્યા છે.

અધિકારીઓએ કહ્યું કે, મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના કાર ચાલક 47 વર્ષિય બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિત મુખિયા ભૈરગંગ પણ સામેલ છે. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. તેને લઈ બચાવ કાર્ય ચાલુ છે.

જિતેન્દ્ર સિંહે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રામબનમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, આ દુ:ખદ માર્ગ અકસ્માત અંગે ડીસી રામબન બશીર-ઉલ-હક સાથે વાત કરી છે. પોલીસ, SDRF અને સિવિલ QRT ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હું સતત સંપર્કમાં છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.

અગાઉ માર્ચમાં પણ થયો હતો અકસ્માત
નોંધનીય છે કે રામબન જિલ્લામાં અગાઉ પણ એક અકસ્માત થઈ ચૂક્યો છે. 5 માર્ચના રોજ હાઈવે પર એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં પણ બેટરી ચશ્મા વિસ્તારમાં ટાટા સુમો 150 મીટર ઊંડી ખીણમાં પડતાં બે લોકોનાં મોત થયાં હતાં.