December 23, 2024

વડોદરામાં ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યા AC હેલ્મેટ

દર્શન ચૌધરી,વડોદરા: રાજ્ય અને સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ જવાનો અસહ્ય ગરમીમાં ફરજ બજાવી શકે તે માટે તેમને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. હાલ શહેરમાં કેટલીક જગ્યાએ આ હેલ્મેટ પહેરીને વિવિધ ટ્રાફિક જંક્શન પર ટ્રાફિક જવાનો ફરજ બજાવી રહ્યા છે. મહત્વનું છેકે, 400 ટ્રાફિક જવાનોની સામે માત્ર 225 AC હેલ્મેટ હાલ તૈયાર કરવાામં આવ્યા છે.

વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીમાં પણ પોલીસ જવાનો ફરજ બજાવી શકે તે માટે તેમને AC વાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે. શહેર ટ્રાફિક ડી.સી.પી. જ્યોતિબહેન પટેલે આ અંગે જણાવ્યું કે, વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા ટ્રાફિક જવાનો ફરજ બજાવે છે. આ જવાનો પૈકી હાલ 125 જવાનોને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. બીજા 100 હેલ્મેટ પણ આવી ગયા છે અને જરૂર મુજબ તે વિવિધ ટ્રાફિક જવાનોને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. આમ કુલ 225 AC વાળા હેલ્મેટ પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ટ્રાફિક જંકશનો ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો અસહ્ય ગરમીનો ભોગ ન બને તે માટે તેઓને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ AC હેલ્મેટથી જવાનોના માથામાં ઠંડક રહેશે. જેના કારણે તેઓને ગરમીના કારણે ચક્કર આવવાનો પ્રશ્ન નહિંવત રહેશે. નોંધનીય છેકે, આ AC હેલ્મેટ ગરમીના દિવસોમાં ટ્રાફિક જવાનો માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.

AC હેલ્મેટ વિશે વાત કરતા ટ્રાફિક પોલીસ જવાન ભરતભાઈએ જણાવ્યું હતું કે, અમને જવાનોને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે. ઉનાળામાં અસહ્ય ગરમીમાં AC હેલ્મેટ જવાનો માટે આશિર્વાદરૂપ પુરવાર થશે. આ AC હેલ્મેટથી માથામાં ઠંડક રહે છે અને તેની અસર આખા શરીરમાં થાય છે. જેથી ગરમીનો અનુભવ ઓછો થાય છે. આ AC હેલ્મેટ ઇલેકટ્રીક ચાર્જેબલ છે. એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ 7 થી 8 કલાક ચાલે છે.

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી

ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારે અગાઉ અમદાવાદમાં પણ ટ્રાફિક જવાનોને AC હેલ્મેટ આપવામાં આવ્યા હતા, પરંતુ એ હેલ્મેટનું થોડા જ સમયમાં બાળ મૃત્યુ થયું હતું. હાલ વડોદરામાં જે પ્રકારે હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું છે તેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે કેમ કે શહેરના જે મુખ્ય જંક્શન છે ત્યાં જ ટ્રાફિક જવાનો અસહ્ય ગરમીમાં AC હેલ્મેટ વગર પોતાની ફરજ નિભાવી રહ્યા છે.