December 26, 2024

આબુ રોડ રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં આખલો ઘૂસ્યો, દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકતા મોત

અંબાજીઃ આબુ રોડ રેલવે સ્ટેશન પર રખડતા ઢોરે દોઢ વર્ષની બાળકીનો જીવ લીધો છે. બાળકીની છાતી પર રખડતા ઢોરે પગ મૂકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, એક પરિવાર મુંદરાથી સંબંધીના ખબરઅંતર પૂછવા માટે આબુ રોડ આવ્યા હતા. ત્યારે સ્વજનોને મળીને મુંદરા પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. જેમાં આબુ રોડના રેલવે સ્ટેશને રિઝર્વેશન રૂમમાં પરિવાર સૂતો હતો. ત્યારે અચાનક જ ત્યાં આખલો આવી ચડ્યો હતો.

ત્યારે ત્યાં સૂતી દોઢ વર્ષની બાળકીની છાતી પર આખલાએ પગ મૂકી દીધો હતો. તેને પગલે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

પરિવાર બાળકીને રેલવે સ્ટેશન લઈ ગયો હતો, જ્યાં ડ્રાઈવરોએ પરિવારના સભ્યોની મદદ કરી પૈસા ભેગા કરી આપ્યા હતા. પરિવારજનોએ મૃતક બાળકીને લઈને પોતાના ઘરે જવા રવાના થયા હતા.

આ ઘટનાની માહિતી મળતાં જ એસડીએમએ ઘટનાસ્થળે પહોંચી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટના બાદ રિઝર્વેશન રૂમની બહાર સાંકળ લગાવી દેવામાં આવી છે. રખડતા પ્રાણીઓ રિઝર્વેશન રૂમમાં પ્રવેશ ન કરે તે માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ આવી ઘટના ન બને તે માટે વહીવટીતંત્રએ આ કાર્યવાહી કરી છે.