પ્રમુખ સ્વામી મહારાજનો ‘સંકલ્પ’, PM મોદીના હસ્તે ‘સંકલ્પસિદ્ધિ’
અમદાવાદઃ વર્ષ 1997માં તે સમયના BAPSના વડા પ્રમુખ સ્વામી મહારાજને એક વિચાર આવે છે અને આ સપનું પૂરું થાય તે પહેલાં જ તેઓ નિર્વાણ પામે છે. ત્યારે તેમનું આ અધૂરું સ્વપ્ન ત્યારબાદ BAPSની ધૂરા સંભાળનારા મહંત સ્વામી આગળ ધપાવે છે. કુલ 26 વર્ષના લાંબા સમયગાળા બાદ પ્રમુખ સ્વામી મહારાજનું આ સપનું પૂરું થાય છે. ત્યારે 14મી ફેબ્રુઆરી, 2024ના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત BAPSના વડા મહંત સ્વામી મહારાજ આ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.
તો આવો આ 26 વર્ષના સમયગાળા પર એક નજર કરીએ…
અબુ ધાબી મંદિરની ટાઇમલાઇન
- 5 એપ્રિલ, 1997 – તત્કાલિન BAPSના વડા પ્રમુખ સ્વામી મહારાજે અબુ ધાબીમાં મંદિર બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું અને પ્રાર્થના કરતા કહ્યુ હતુ કે, ‘આ અબુ ધાબીનું મંદિર દેશ, સંસ્કૃતિ, સમાજ અને ધર્મોને એકસાથે લાવશે.’
- 9 ઓગસ્ટ, 2015 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE સરકારનો અબુ ધાબીમાં હિંદુ મંદિર બાંધવા માટે જમીન આપી તે માટે આભાર વ્યક્ત કર્યો હતો.
- 10 ફેબ્રુઆરી, 2018 – અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહોમ્દ બિન ઝાયેદ અલ નાહ્યાને BAPSને હિંદુ મંદિર બનાવવા માટે પ્લોટ દાનમાં આપ્યો હતો.
- 20 એપ્રિલ, 2019 – હાલના BAPSના વડા મહંત સ્વામી મહારાજે હિંદુ મંદિર બનાવવા માટેની પ્રથમ ઇંટ મૂકી ભૂમિપૂજન કર્યું
- 6 નવેમ્બર, 2019 – BAPSના હિંદુ મંદિરે ‘મિકેનિકલ પ્રોજેક્ટ ઓફ ધ યર’ એવોર્ડ મેળવ્યો હતો. આ ઉપરાંત આ મંદિરને દુબઈ ઓપેરા, ખલિફા યુનિવર્સિટી અને દુબઈ ટ્રેડ સેન્ટર ડિસ્ટ્રિક્ટ દ્વારા સન્માનિત કર્યું છે.
- 9 ઓગસ્ટ, 2021 – ભારતથી સો ટન જેટલાં કોતરાયેલા અને અડધા કોતરાયેલા પથ્થરોને અબુ ધાબીમાં મોકલ્યા હતા અને ઇશ્વરચંદ્રદાસ સ્વામીએ તેની પૂજા કરી હતી.
- 1 ઓક્ટોબર, 2021 – એક્સપો 2020માં ઇન્ડિયન પેવિલિયનમાં BAPS હિંદુ મંદિરે એક્ઝિબિશન યોજ્યું હતું. તેમાં મંદિરની બનાવટ, પ્રમોશન અને હાર્મની (સંવાદિતા) એક સાંકળે કેવી રીતે બંધાશે તેનો ચિતાર રજૂ કર્યો હતો.
- 9 નવેમ્બર 2021 – 1000 કરતાં વધુ હરિભક્તોએ એક અઠવાડિયાનો ઉત્સવ ઉજવ્યો હતો. જેમાં મંદિર બનાવવા માટે વપરાયેલી ઇંટોની સ્પેશિયલ પૂજા કરી હતી.
- 27 મે, 2022 – કોતરેલા પથ્થરો મંદિરમાં મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ‘મહાપીઠ પૂજન’ કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશન અને ગ્રાઉન્ડ ફ્લોર પૂર્ણ કરવામાં આવ્યો હતો.
- 8 સપ્ટેમ્બર, 2022 – ઇશ્વરચંદ્રદાસ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ 500 હરિભક્તોએ પહેલા પથ્થરના પિલ્લરની પૂજા કરી હતી.
- 20 ઓક્ટોબર, 2022 – ઇશ્વરચંદ્રદાસ સ્વામીએ સાતેય શિખરોનું પૂજન કર્યું
- 29 નવેમ્બર, 2023 – 11 નવેમ્બર, 2022ના દિવસે મહંત સ્વામીએ અમૃત કળશ, ધ્વજા અને ધ્વજાદંડનું પૂજન કરી 29મી નવેમ્બરે સ્થાપિત કર્યા હતા.
- 14 ફેબ્રુઆરી, 2024 – મહંત સ્વામી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અબુ ધાબી અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.