December 26, 2024

અબ્દુલ કરીમ ટુંડા ફરી જેલમાં જશે! CBI અરજી કરવાની તૈયારીમાં…

Abdul Karim Tunda 1993 Blast Case:  અજમેરની કોર્ટે 1993માં દેશમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના સંબંધિત કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો હતો. ટુંડાને નિર્દોષ જાહેર કર્યાના એક દિવસ બાદ એટલે કે શુક્રવારે જ તેને ફરીથી જેલમાં ધકેવી દેવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) 1993ના સિરિયલ બેમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કરવા સામે અરજી દાખલ કરશે. માહિતી અનુસાર સીબીઆઈ આ અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે.

29 ફેબ્રુઆરીએ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યો
ઉલ્લેખનીય છે કે 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને 29 ફેબ્રુઆરીએ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમના વકીલ શફકત સુલતાનીએ કહ્યું કે અબ્દુલ કરીમ ટુંડા સંપૂર્ણપણે નિર્દોષ છે. વધુમાં તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે કોર્ટે અબ્દુલ કરીમ ટુંડાને દરેક કલમ અને દરેક એક્ટમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનયી છે કે આરોપી અબ્દુલ કરીમ ટુંડાને ટાડા કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. બીજી બાજુ કોર્ટે કહ્યું કે ટુંડા વિરુદ્ધ કોઇ પ્રત્યક્ષ પુરાવા મળ્યા નથી. 6 ડિસેમ્બર 1993ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસની પ્રથમ વર્ષગાંઠ પર દેશભરની ઘણી ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા.આ કેસમાં અબ્દુલ કરીમ ટુંડા પર આતંક ફેલાવવાનો આરોપ હતો. દેશના કોટા, સુરત, કાનપુર, સિકંદરાબાદ, મુંબઈ અને લખનઉની ટ્રેનોમાં આ વિસ્ફોટો થયા હતા.

કોણ છે અબ્દુલ કરીમ ટુંડા?
સૈયદ અબ્દુલ કરીમ ટુંડાનો જન્મ 1941માં થયો હતો. તે ગાઝિયાબાદના પિલખુઆમાં મોટો થયો હતો. કરીમ 11 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતુ. આ પછી તેણે સુથાર, વાળંદ, મિટર વર્કર અને બંગડી બનાવનાર તરીકે કામ કર્યું હતું. દેશના જુદા જુદા ભાગોમાં રહીને તેણે આ કામો કર્યાં હતા. આ સમય દરમિયાન તેણે ઝરીના યુસુફ નામની મહિલા સાથે લગ્ન કર્યાં અને ઇમરાન, રશાદા અને ઇરફાન નામના ત્રણ બાળકોને જન્મ આપ્યો. અબ્દુલ કરીમ ટુંડાની ગતિવિધિઓ શંકાસ્પદ બનવા લાગી અને તે ઘણા દિવસો સુધી ઘરે પરત ફરતો નહોતો.

પહેલી પત્ની ઝરીનાને છોડીને ગાયબ થઈ ગયો
માહિતી અનુસાર વર્ષ 1981માં તે પોતાની પહેલી પત્ની ઝરીનાને છોડીને ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેની બીજી પત્ની મુમતાઝ તેની સાથે હતી. મુમતાઝ ગુજરાતના અમદાવાદ શહેરની રહેવાસી હતી. અબ્દુલ કરીમ ટુંડા ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાંના 20 આતંકવાદીઓમાંથી એક હતો જેમને 26/11ના આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સરકાર પાસે સોંપવાની માંગ કરી હતી. TOIના અહેવાલ મુજબ આ યાદીમાં લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદ, જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહિમનો સામેલ હતા અને ટુંડાનું નામ પણ તેમાં ઉમેરવામાં આવ્યું હતું.