December 23, 2024

જલંધર પશ્ચિમ બેઠક પરથી AAPના મોહિન્દર ભગતની જીત, જાણો BJP અને કોંગ્રેસના ઉમેદવારોની હાલત

Jalandhar West By-election Result 2024: પંજાબમાં જલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. AAPના ઉમેદવાર મોહિન્દરપાલ ભગતે શાનદાર જીત નોંધાવી છે. પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને આંચકો લાગ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં મોહિન્દરપાલ ભગતને હરાવનાર શીતલ અંગુરાલ બીજા નંબરે છે. કોંગ્રેસના સુરિન્દર કૌર ત્રીજા સ્થાને છે.

મોહિન્દર પાલ ભગતને મોટી જીત મળી
AAP ઉમેદવાર મોહિન્દરપાલ ભગત 37325 મતોથી જીત્યા છે. તેમને 55246 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર શીતલ અંગુરાલને 17921 મત મળ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે રહેલા કોંગ્રેસના સુરિન્દર કૌરને 16757 વોટ મળ્યા હતા. મોહિન્દરપાલ ભગતને 58.39 ટકા, શીતલ અંગુરાલને 18.94 ટકા વોટ, કોંગ્રેસના સુરિન્દર કૌરને 17.71 ટકા વોટ મળ્યા હતા. શિરોમણી અકાલી દળના સુરજીત કૌરને 1.31 ટકા મત મળ્યા અને 1242 મતો સાથે ચોથા ક્રમે રહ્યાં.

54.90 ટકા મતદાન થયું હતું
જલંધર પશ્ચિમ બેઠક પર પેટાચૂંટણી માટે 10 જુલાઈએ મતદાન થયું હતું. અહીં કુલ 54.90 ટકા મતદાન થયું હતું, જેના કારણે કોણ જીતશે તે કહેવું પણ મુશ્કેલ બન્યું હતું. દર વખતે આ બેઠક પર નવી પાર્ટીનો ઉમેદવાર જીતતો રહ્યો છે. પરંતુ આમ આદમી પાર્ટીએ જીતનું પુનરાવર્તન કર્યું છે. નોંધનીય છે કે, 2012માં બીજેપીએ આ સીટ જીતી હતી અને 2017માં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. હવે ફરી AAPના ઉમેદવાર પેટાચૂંટણીમાં જીત્યા છે.

પેટાચૂંટણીના પરિણામો તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીથી વિપરીત આવ્યા છે. હકિકતે, લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસ પ્રથમ સ્થાને, બીજેપી બીજા સ્થાને અને આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને હતી. આ પેટાચૂંટણીમાં AAP પ્રથમ, બીજેપી બીજા અને કોંગ્રેસ ત્રીજા ક્રમે છે.