December 26, 2024

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે AAPએ વિનેશ ફોગાટ સામે WWE રેસલરને ટિકિટ આપી

Haryana AAP Candidates List: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેની ચોથી ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 21 ઉમેદવારોના નામ છે. AAPએ આ ચૂંટણી માટે કુલ 61 ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. AAPએ પોતાની નવી યાદીમાં મહિલા રેસલરને પણ ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ WWE રેસલર કવિતા દલાલને જુલાનાથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગટ સામે મેદાનમાં ઉતાર્યા છે.

કૈથલ અને કરનાલમાં AAPના ઉમેદવાર
આ સિવાય આમ આદમી પાર્ટીએ અંબાલા કેન્ટથી રાજ કૌર ગિલ, યમુના નગરથી લલિત ત્યાગી, લાડવાથી જોગા સિંહ, કૈથલથી સતબીર ગોયત, કરનાલથી સુનિલ બિંદલ, પાણીપત ગ્રામીણથી સુખબીર મલિક, ગણૌરથી સરોજ બાલા રાઠી, દેવેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે. સોનીપતથી ગૌતમ, ગોહાનાથી શિવકુમાર રંગીલા અને બરોદાથી સંદીપ મલિકને ટિકિટ આપવામાં આવી છે.

આ સાથે, જુલાનાથી કવિતા દલાલ, સફીડોનથી નિશા દેશવા, તોહાનાથી સુખવિંદર સિંહ ગિલ, કાલાંવલીથી જસદેવ નિક્કા, સિરસાથી શામ મહેતા, નરેન્દ્ર ઉકલાના, નરોંદથી રાજીવ પાલી, હાંસીથી રાજેન્દ્ર સોરઠી, હિસારથી સંજય સત્રોડિયા, બદલી હેપ્પીને લોહચાબ અને ગુડગાંવ સીટ પરથી નિશાંત આનંદને ટિકિટ આપવામાં આવી છે.

90માંથી 61 વિધાનસભા સીટો પર AAPના નામ ફાઈનલ
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીએ મંગળવારે (10 સપ્ટેમ્બર) હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં 11 ઉમેદવારોના નામ હતા. અગાઉ બીજી યાદીમાં 9 અને પહેલી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. આ સાથે હરિયાણાની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 61 પર ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.