January 11, 2025

Maharaj Release: વિવાદો બાદ ફિલ્મ ‘મહારાજ’ પરથી ગુજરાત હાઇકોર્ટે હટાવ્યો સ્ટે

Maharaj Film Controversy: શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘મહારાજ’ની રિલીઝ પરનો વચગાળાનો સ્ટે હટાવી લીધો છે. નોંધનીય છે કે, જુનૈદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ હતી. મહારાજ ફિલ્મને લઈને ગુજરાત હાઇકોર્ટમાં વૈષ્ણવ સંપ્રદાય તરફથી અરજી કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટ દ્વારા ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવા પર સ્ટે મૂક્યો હતો, પરંતુ આજે ગુજરાત હાઇકોર્ટે મહારાજ ફિલ્મ પરનો સ્ટે હટાવી દીધો છે. હાઇકોર્ટના કહેવા પ્રમાણે ફિલ્મમાં કંઈ પણ વિવાદિત નથી, એટલા માટે ફિલ્મ પરનો સ્ટે હટાવવામાં આવ્યો છે. જો કે હાઇકોર્ટે ફિલ્મ નિહાળ્યા બાદ ચુકાદો આપ્યો હતો. વધુમાં હાઇકોર્ટે કહ્યું કે, ફિલ્મમાં કોઈ સંપ્રદાયની લાગણીઓને ઠેસ પહોંચે એવા કોઈ દ્રશ્યો કે ડાયલોગ નથી.

ફિલ્મ ‘મહારાજ’ 14 જૂને રિલીઝ થવાની હતી
નોંધનીય છે કે, આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘મહારાજ’ 14 જૂને રિલીઝ થવાની હતી. પરંતુ, ગુજરાત હાઈકોર્ટે તેની રિલીઝ અટકાવી દીધી હતી. ફિલ્મને લઈને હંગામો અને વિવાદ ચાલી રહ્યો હતો. દરમિયાન, આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે. જુનૈદ ખાનની ‘મહારાજ’ OTT પર સ્ટ્રીમ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, મહારાજ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ મામલે આજે ફરીથી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ સુનાવણી દરમિયાન અરજદાર, યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સ તરફથી કોર્ટને સૂચન કરવામાં આવ્યું હતું કે હાઇકોર્ટ ફિલ્મ જોઈને તેનો કોઈ ભાગ હિન્દુ ધર્મ કે તેના સંપ્રદાયને બદનામ કરે છે કે કેમ તે અંગે નિર્ણય લે. સુનાવણી દરમિયાન ફિલ્મ નિર્માતા યશરાજ ફિલ્મ, નેટફલીક્સે કોર્ટ સમક્ષ ફિલ્મનાં સ્ક્રિનિંગને લઈને પ્રસ્તાવ મૂક્યો હતો. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે જો કોર્ટને લાગશે કે ફિલ્મ જોઈને નક્કી કરવું તો કોર્ટ તેને લઈને નિર્ણય કરશે. તો સાથે સાથે, અરજદારે પણ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે કોર્ટ ફિલ્મ જુએ અને કોર્ટને યોગ્ય લાગે તે મુજબ નિર્ણય લે. ફિલ્મ જોયા બાદ કોર્ટ જે નિર્ણય આપશે તે માન્ય રહેશે. સાથે સાથે અરજદારે કોઈ કોમર્શિયલ લાભ જોઈતા ન હોવાની પણ રજૂઆત કરી હતી.

‘મહારાજ’ ફિલ્મ 1862 કેસ પર આધારિત
જુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિનિત ફિલ્મ મહારાજ 1862ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવશે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી. ‘મહારાજ લિબેલ કેસ’- ના નામે ઓળખવામાં આવે છે.