May 1, 2024

AAPમાંથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામું

aam aadmi party alpesh kathiriya dharmik malaviya resigned

સુરતઃ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરિયાએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત અન્ય એક નેતા ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપી દીધું છે. બંને નેતાઓએ પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું છે.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ ઇસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું છે. તેમાં લખ્યું છે કે, ‘આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત થઈએ છીએ. પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપીએ છીએ. રાજીનામું સ્વીકારવા વિનંતી.’

બંનેનું એકસાથે રાજીનામું ટોક ઓફ ધ ટાઉન
પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઇન કરી બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ એકાએક જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

આંદોલનકારીમાંથી બન્યા રાજકીય નેતા
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે વિધાનસભામાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અલ્પેશ કથીરિયા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા. આંદોલનકારીમાંથી તક મળતા રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, બંનેને કારમી હાર મળી હતી.