જૂનાગઢમાં ગરબાનું અનોખું આયોજન, કિન્નર અને પ્રજ્ઞાચક્ષુ માટે ગરબા યોજાયા
સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તથા પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિન્નર સમાજના ગરબા સાથે પ્રજ્ઞાચક્ષુ બાળાઓના રાસ ગરબા યોજાયા હતા, બાદમાં સંસ્થા દ્વારા શહેરની વિવિધ ગરબીમાં રમતી નાની બાળાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. શહેરના દાતાઓના સહયોગથી આ સેવાયજ્ઞ કરાયો હતો.
જૂનાગઢની સત્યમ સેવા યુવક મંડળ નામની સેવાભાવી સંસ્થા વર્ષોથી વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે, હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે સંસ્થા દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમની આંખોની રોશની નથી એવી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પણ સામાન્ય લોકોની જેમ ગરબા રમી શકે છે, ગરબા ગાઈ શકે છે અને તેમને પણ પોતાની કલા પ્રદર્શિત કરવાની તક મળે, તેઓ પણ માતાજીની આરાધના કરી શકે તેવા હેતુથી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના ગરબા યોજાયા હતા.
આ સાથે કિન્નર સમાજના ગરબા પણ યોજાયા હતા, કિન્નરો માઁ બહુચરાજીનું સ્વરૂપ છે અને તેમને પણ નવરાત્રીમાં માતાજીનું સ્તવન કરવાની તક મળે, ગરબા રમવાની તક મળે તેવા હેતુથી સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત અંધ કન્યા છાત્રાલયની બાળાઓ અને કિન્નરોના રાસ ગરબા યોજાયા હતા અને બાળકોમાં એક અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કિન્નરોને પણ સમાજમાં સન્માન મળે તેઓ પણ સમાજની સાથે રહીને માતાજીની આરાધના કરે તે હેતુ કિન્નરોના ગરબા યોજાયા અને બાદમાં સંસ્થા દ્વારા દરેક કિન્નરોને લ્હાણી તથા શેરીઓમાં ગરબી રમતી નાની બાળાઓને ભોજન કરાવીને લ્હાણી આપવામાં આવી હતી. સેવાભાવી સંસ્થાઓ દ્વારા થતા આ પ્રકારના આયોજનો થકી સમાજને એક સંદેશ મળે છે.
કિન્નરો અને પ્રજ્ઞાચક્ષુઓને ભલે ઈશ્વરે કાંઈક ખોટ આપી હોય, પરંતુ તેઓ પણ સમાજના એક ભાગ છે અને તેઓ પણ સામાન્ય માણસની જેમ સક્ષમ છે, કિન્નરો અને પ્રજ્ઞચક્ષુ બાળાઓએ પોતાના અંદાજમાં ગરબા રમીને માતાજીની આરાધના કરવાનો અવસર આપનાર સેવાભાવી સંસ્થા દ્વારા આ એક સરાહનીય સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.