ઈન્દોર થયું શર્મશાર: ટ્રેઈની સૈન્ય અધિકારીને માર મારી મહિલા સાથે દુષ્કર્મ આચરાયો
Madhya Pradesh Rape News: ઈન્દોર જિલ્લામાં મહિલા મિત્રો સાથે પાર્ટી કરી રહેલા બે ટ્રેઈની સૈન્ય અધિકારીઓને બદમાશોએ નિર્દયતાથી માર માર્યાની ઘટના સામે આવી છે. તેમજ એક યુવતી પર કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દુષ્કર્મ આચાર્યા બાદ બદમાશો ફરાર થઈ ગયા હતા. બદમાશો લૂંટના ઇરાદે પહોંચ્યા હતા. સમગ્ર મામલે હાલ પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. બાકીની બદમશોની શોધખોળ ચાલુ છે.
વાત જાણે એમ છે કે, મેજર રેન્કના બે અધિકારીઓ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં આવેલ મહુ આર્મી કોલેજમાં ટ્રેનિંગ માટે આવ્યા છે. મંગળવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે, બંને અધિકારીઓએ કાર ભાડે કરીને બે મહિલા મિત્રો સાથે જામ ગેટ તરફ ફરવા ગયા હતા. તેઓએ છોટી જામ નજીક ફાયરિંગ રેન્જમાં કાર પાર્ક કરી અને એકબીજા સાથે વાત કરવા લાગ્યા.
દરમિયાન અચાનક પિસ્તોલ, છરી અને લાકડીઓ લઈને આવેલા આઠ બદમાશોએ કારને ચારે બાજુથી ઘેરી લીધી હતી. તેઓએ સૈન્ય અધિકારીઓ અને છોકરીઓને માર માર્યો, તેમના પૈસા અને પર્સ લૂંટી લીધા.
બદમાશોએ એક અધિકારી અને એક યુવતીને બંધક બનાવી લીધા હતા. જ્યારે અન્ય એક યુવતી અને અધિકારીને એમ કહીને મોકલી દીધા કે જો 10 લાખ રૂપિયા લઈને નહીં આવો તો તેમને છોડશે નહીં. ગભરાયેલા અધિકારીએ નેટવર્કમાં આવતા જ યુનિટ કમાન્ડિંગ ઓફિસરને ઘટના વિશે જાણ કરી.
સૈન્ય અધિકારીઓએ તરત જ ડાયલ-100ને જાણ કરી અને પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમના વાહનોને જોઈને બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બદમાશોએ યુવતી અને તેના સાથી મેજરને અલગ-અલગ રાખ્યા હતા.
આ મામલે પોલીસે લૂંટ, મારપીટ, ખંડણી અને સામૂહિક બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. બદમાશોની પકડમાંથી છોડાવવામાં આવેલા સૈન્ય અધિકારીએ પોલીસને જણાવ્યું કે બદમાશો વારંવાર પૈસાની માંગણી કરી રહ્યા હતા. પોલીસે ટ્રેઈની અધિકારીના નિવેદનના આધારે ગેંગ રેપની કલમ લગાવી છે. પકડાયેલા બે ગુનેગારો પૈકી એકનો ગુનાહિત રેકોર્ડ પણ છે.
ઈન્દોર ગ્રામીણ એસપી હિતિકા વસલે જણાવ્યું, “અમને માહિતી મળી હતી કે ચાર લોકો (2 છોકરાઓ અને બે છોકરીઓ) જામ ગેટ પર ગયા હતા. તેમની સાથે મારપીટ અને લૂંટની ઘટના બની છે. અમે તરત જ અમારી ટીમને ત્યાં મોકલી, તરત જ 10 ટીમો બનાવી અને 2 આરોપીઓની ધરપકડ કરી.
એસપીના જણાવ્યા મુજબ, ફરિયાદીએ એમ પણ જણાવ્યું કે આરોપીએ તેની મહિલા મિત્ર સાથે કંઈક ખોટું કર્યું છે. આ કેસમાં લૂંટ, બળાત્કાર અને આર્મ્સ એક્ટ સંબંધિત કલમોની સાથે બળાત્કારની કલમ પણ લગાવવામાં આવી છે. વસલે જણાવ્યું હતું કે ચાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પણ બાકીના બદમાશોની શોધ શરૂ કરી છે.