January 29, 2025

રાજ્યના આ બે જિલ્લામાં કુલ 1449 નવજાત શિશુના મોત નિપજ્યા

મલ્હાર વોરા, ગાંધીનગર: આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગૃહમાં પ્રશ્ન કર્યો હતો. ઉત્તર ગુજરાત વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રશ્ન કર્યો હતો કે, અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લામાં કેટલા નવજાત બાળકોના મોત થયા છે. અને આ મોત પાછળના કારણો શું જોવા મળ્યા છે.

જો કે ગેનીબેનના પ્રશ્નો જવાબ આપતા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લામાં કુલ 1449 નવજાત બાળકોના મોત નિપજ્યા છે. જેમાં વર્ષ 2022 માં બંને જિલ્લામાં કુલ 735 અને વર્ષ 2023માં 714 નવજાત બાળકોના મોત નિપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નવજાત બાળકોના કુલ 1060 ના મોત થયા છે. જેમાં વર્ષ 2022માં કુલ 555 બાળકોના મોત થયા છે. જ્યારે વર્ષ 2023 માં કુલ 505 બાળકોના મોત નિપજ્યા છે.

નોંધનીય છે કે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ 133 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 389 નવજાત બાળકોના મોત નિપજ્યા છે. વર્ષ 2022માં 180 નવજાત બાળકોના મોત નિપજ્યા છે. વર્ષ 2023માં કુલ 209 નવજાત બાળકોના મોત નિપજ્યા છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ 61 નવજાત બાળકોના મોત નિપજ્યા હતા. સરકાર બાળકોના મોતના કારણો આપતા જણાવ્યું હતું કે બર્થ એક્સપેસિયા, જન્મજાત ખામી, જન્મ સમયે ઓછું વજન, સેપ્સીસ, ન્યુમોનિયા, ડાયરીયા અને હાઈ ફિવરના કારણે બાળકોના મોત થાય છે.

જો કે ગેનીબેને સરકારના જવાબ બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 1060 બનાસકાંઠામાં તેમજ અમદાવાદ જિલ્લામાં 1449 નવજાત શિશુઓના મૃત્યુ થયા છે. વિધાનસભામાં મૃત્યુના અનેક કારણો આપવામાં આવ્યા છે. સરકારના ત્રણ-ત્રણ વિભાગો આ અંગે મેનેજમેન્ટ કરે છે છતાં આટલો મૃત્યુ દર જોવા મળી રહ્યો છે. માત્ર બે જિલ્લામાં 2509 જેટલા નવજાત શિશુઓના મૃત્યુ થયા તો સમગ્ર ગુજરાતમાં કેટલા મૃત્યુ થયા હશે. એ એક સવાલ ઉભો થાય છે. બનાસકાંઠા સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે. છતાંય આટલા મૃત્યુ માટે જવાબદાર કોણ છે તેવો પ્રશ્ન ગેનીબેન ઠાકોરે ઉપાડ્યો છે.