December 25, 2024

રમત રમતમાં ત્રણ વર્ષનું બાળક ગળી ગયું 3 બાય 3 સેન્ટિમીટરની ચાંદીની ગાય

યોગીન દરજી, નડિયાદ: નડિયાદના ડોક્ટરે ત્રણ વર્ષીય બાળકનો ચમત્કારિક જીવ બચાવ્યો છે. આ બાળક ઘરમાં રમી રહ્યું હતું ત્યારે ભગવાનના ખાનામાંથી હાથમાં આવેલી 3 બાય 3 સેન્ટિમીટરની ચાંદીની ગાય ગળી ગયું હતું. જે તેના શ્વાસ નળીના ભાગમાં અટકી ગઈ હતી. અને પછી જે હાલત થઈ એ તે જોઈ તેના પરિવારજનોના પણ શ્વાસ થંભી ગયા હતા.

નડીયાદથી 17 કિલોમીટર દૂર ભરવાડ પરિવારમાં આ ઘટના બનતા તુરંત બાળકને નડિયાદ સ્થિત નાક, કાન, ગળાના ડોક્ટર પાસે લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. રસ્તામાં જ પરિવારજનોએ ફોન કરી ડોક્ટરને પરિસ્થિતિની જાણ કરતા ડોક્ટરે યુદ્ધના ધોરણે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી હતી. પરિણામે બાળક આવતાની સાથે જ તેનું માઇક્રો ઓપરેશન કરી તેના ગળામાં ફસાયેલી ત્રણ બાય ત્રણ સેન્ટિમીટરની ચાંદીની ગાયને બહાર કાઢી હતી.

આ સમગ્ર ઘટના અંગે ડોક્ટર સુપ્રીત પ્રભુએ જણાવ્યું હતું કે, આ ચાંદીની ગાય બરાબર બાળકના શ્વાસ નળીની ઉપર અટકી ગઈ હતી. ત્રણ વર્ષના બાળકની શ્વાસ નળી માંડ દોઢ સેન્ટીમીટરની હોય છે. જેના પર આ ત્રણ સેન્ટિમીટરની ગાય અટકી જતા કોઈ ચમત્કારી શક્તિએ જ તેને શ્વાસ લેવામાં મદદ કરી અને બાળક માતરથી 17 કિલોમીટર નડિયાદ આવી શક્યું.