January 19, 2025

અમદાવાદ શહેર ભાજપમાં 5 નેતાઓ પર આરોપો લગાવતો પત્ર વાયરલ

અમદાવાદ: લોકસભા ચૂંટણી બાદ અમદાવાદ શહેર ભાજપમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહને અચાનક જ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના આદેશ બાદ હટાવી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ પ્રભારીની જવાબદારી પૂર્વ ગૃહ મંત્રી અને પ્રદેશ ભાજપ મહા મંત્રી રજની પટેલને સોંપવામાં આવી હતી. પરંતુ, રજની પટેલના આવ્યા બાદ પણ શહેર ભાજપમાં આંતરિક વિખવાદ ચરમ પર પહોંચ્યા છે અને એવામાં આજે અમદાવાદ શહેરમાં એક લેટર બોમ્બે ચર્ચાઓ છેક કમલમ સુધી પહોંચાડી દિધી છે.

અમદાવાદ શહેર ભાજપમાંથી ધર્મેન્દ્ર શાહને દુર કરાયા બાદ ધર્મેન્દ્ર શાહ અને તેમની નજીકના 4-5 નેતાઓ પર આરોપ કરતો એક લેટર વાયરલ થયો છે જેમાં ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમુલ ભટ્ટ, આનંદ ડાગા, વીપુલ સેવક, ધવલ રાવલ સહિતના નેતાઓના નામ લખી અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે. આ પત્ર મણિનગરના એક કાર્યકર્તા દ્વારા લખવામાં આવ્યો છે અને આ પત્રને મણિનગર વિધાનસભામાં આવતા તમામ કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખોને પણ મોકલવામાં આવ્યો છે. ત્યારે આજે સવારથી જ આ નનામાં વાયરલ પત્રની ચર્ચા અમદાવાદ શહેર ભાજપ સહિત મુખ્યાલય કમલમ કાર્યાલય ખાતે પણ જોવા મળી હતી

“ધર્મેન્દ્ર શાહની ટોળીનો પર્દાફાશ”
ધર્મેન્દ્ર શાહને ટાર્ગેટ કરીને આ પત્ર લખાયો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ બધા એક હારના મણકા છે અને પાર્ટીના નામે હોદ્દાઓનો ઉપયોગ કરી આ ટોળી રોકડીમાં જ પડી છે. ડાગાએ બધાને પૈસા બતાવી લડ્ડુ બનાવી દિધા છે. ધર્મેન્દ્ર શાહ તો પહેલેથી જ AMTS બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે. મણિનગરના તમામ કાર્યકર્તાઓ જાણે છે પણ ચંડાળ ચોકળીના કારણે કોઇ બોલતા નથી. શીતલબેન ડાગાને દંડક બનાવવામાં પણ તેનો જ હાથ હતો એ પ્રકારના આક્ષેપ પણ આ વાયરલ પત્રમાં કરવામાં આવ્યા છે.

ધારાસભ્ય અમુલ ભટ્ટને પણ કરાયા ટાર્ગેટ
પત્રમાં વર્તમાન ધારાસભ્ય અમુલ ભટ્ટના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમુલ ભટ્ટ પર આક્ષેપ કરતા લખવામાં આવ્યુ છે કે અમુલ ભટ્ટ જ આ ટોળીના સાગરીત છે. તેમની પાસે રાતોરાત આટલો પૈસો કેવી રીતે આવ્યો. મણિનગરમાં દુકાનો, 2 કરોડની ઓફિસ, 2 SUV કાર. ચેરમેન હતા તો સિક્યુરિટીવાળા અને બીજા કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગ કરી ભારે રોકડી કરી. તેમને ટિકિટ કોણે આપી એ પ્રકારની વાતો પણ આ પત્રમાં કરવામાં આવી છે.

વાયરલ થયેલા આ નનામાં પત્રમાં મહિલાઓ અને મહિલા પદાધિકારીઓ સાથે સંબંધોને લઇને પણ વાત કરવામાં આવી છે સાથે સાથે મણિનગરની મહિલા કાર્યકર્તાઓ અને બહેનોને પણ આ લંપટસ્વામીથી ચેતવુ જોઇએ એ પ્રકારની વાત કરવામાં આવી છે.

“નનામાં પત્ર બાદ ખાનપુરથી કમલમ સુધી ખુલાસા થયા”
આજે સવારે વાયરલ થયેલા પત્ર બાદ NEWS CAPITAL સાથે વાત કરતા ધારાસભ્ય અમુલ ભટ્ટે જણાવ્યુ હતુ કે, આ નનામો પત્ર કોર્પોરેટરોને મળ્યો છે અને તેમાં અનેક પ્રકારની વાતો લખવામાં આવી છે. આ કોઇ વિધ્નસંતોષી લોકોનું કાવતરુ છે અને નનામો પત્ર લખ્યો છે તેથી આ મુદ્દે કોઇ ખુલાસો આપવાની જરૂર નથી. જે કોઇ કાર્યકર્તાઓને તકલીફ હોય એ પાર્ટી સમક્ષ પોતાની વાત રજૂ કરે

વાયરલ પત્ર અંગે ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યુ હતુ કે મારા ધ્યાન પર આવો કોઇ પત્ર આવ્યો નથી. જાહેર જીવનમાં માણસ કામ કરતો હોય તો બધાને ન્યાય ન આપી શકે. જેણે પત્ર લખ્યો છે કદાચ તેમના કોઇ કામ નહીં થયા હોય માટે આવો પત્ર લખ્યો હશે અને જો આ માણસ સાચો હોય તો અરજી કરે અને આવા નામ વિનાના પત્ર ન લખે છતા પણ આવો કોઇ પત્ર અમારા ધ્યાન પર આવશે તો પાર્ટી દ્વારા તપાસ કરવામાં આવશે.

ધારાસભ્ય અને શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહે સમગ્ર મામલે વાત કરતા જણાવ્યુ હતુ કે પત્ર મારી પાસે આવ્યો નથી અને પત્ર મોકલનારનું કોઇ નામ કે સરનામુ પણ નથી.આવા બેહુદા કાગળ પર ધ્યાન ન આપવુ જોઇએ. ધ્યાન આપીશું તો આવા લોકોને પ્રોત્સાહન મળશે. આવા પત્રોથી કોઇ વ્યક્તિની બદનામી થતી હશે તો તેમને પોલીસ ફરિયાદ કરવા પણ કહીશું.