December 17, 2024

ઓનલાઈન દોસ્તી, અપહરણ અને ધરપકડનો ચોંકાવનારો કિસ્સો

મિહિર સોની, અમદાવાદ: સ્માર્ટ અમદાવાદમાં એક યુવકને એપ્લિકેશનના માધ્યમથી મિત્રતા કરવી ભારે પડી. એપ્લિકેશનથી મિત્ર બનેલા શખ્સોએ એક યુવકનું અપહરણ કરી લીધું. લૂંટના ઇરાદે અપહરણ કરી ગાડીમાં લઈને પૈસા પડાવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે, યુવક પાસેથી રોકડ પૈસા ન મળતા ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હતા. બોડકદેવ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી.

બોડકદેવ પોલીસે આરોપીઓ સ્વપ્નિલ દેસાઈ, આયુષ રબારી અને આર્યન દેસાઈની લૂંટ કેસમાં ધરપકડ કરી છે. આ આરોપીએ એપ્લિકેશન માધ્યમથી એક યુવકને મળી તેનું અપહરણ કરી લૂંટી લીધો હતો. ધટના ની વાત કર્યે તો જૂનાગઢનો રહેવાસી પૂજન વસોયા થલતેજ મિત્રો સાથે ભાડે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 8 સપ્ટેમ્બર ના રાત્રે પૂજન જમીને સિંધુભવન રોડ પર બેસવા જઈ રહ્યો હતો.

ત્યારે બાગબાન ચાર રસ્તા પાસે એક કાર ઉભી હતી તે કારના ચાલકે પૂજનનો હાથ ખેંચી તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. રસ્તામાં ત્રણેય આરોપીએ પૂજનને માર મારી અવાવરૂ જગ્યાએ ગાડી મા ઉભી રાખી પૈસાની માંગણી કરી અને રોકડ પૈસા ન મળતા તેનો ફોન લઈ અને ગૂગલ પે નો પાસવર્ડ જાણી ₹40,000 ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ પૂજનને ગાડીમાંથી ઉતારી ત્રણે ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસે ત્રણેય આરોપી ધરપકડ કરી છે.

પકડાયેલ મુખ્ય આરોપી સ્વપ્નિલ દેસાઈ મહેસાણા નો રહેવાસી છે, આયુષ રબારી વડગામ અને આયર્ન દેસાઈ ગાંધીનગર નો રહેવાસી છે. ત્રણેય આરોપી મોજશોખ કરવા અને સેલિબ્રિટી જેવી લાઇફ માટે વેબ સિરીઝ જોઈને લોકોને આ રીતે લૂંટતા હતા. પોલીસ તપાસમાં ડેટિંગ એપ્લિકેશન માધ્યમ થી મિત્રતા કરી આરોપીઓ અનેક લોકો પાસે પૈસા પડાવ્યા હોવાનું પોલીસનું અનુમાન છે.

બોડકદેવ પોલીસે ત્રણેય ની ધરપકડ કરી અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કરી પૈસા પડાવ્યા છે જે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે ડેટિંગ એપ્લિકેશન થી અનેક લોકો સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આરોપીનો મોબાઇલ ફોન ની તપાસ કરી રહ્યા છે.