January 1, 2025

સુરતમાં બેફામ ટ્રક ચાલકે લીધો મહિલાનો જીવ

અમિત રૂપાપરા, સુરત: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં માર્ગ અકસ્માતોના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેમાં પણ ડાયમંડ સિટીમાં ખાસ કરીને અકસ્માતનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ત્યારે આજે પણ સુરતમાં એક બેફામ ટ્રક ચાલકે મહિલાને અડફેટે લઈને જીવ લીધો છે. ટ્રકની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, આજે સુરતમાં બેફામ ચાલતા ટ્રક ચાલકે વધુ એક મહિલાનો જીવ લીધો છે. સુરતમાં રોકડીયા હનુમાન મંદિર પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે મોપેડ પર જઈ રહેલ મહિલાને ટક્કર મારી હતી. ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ પર્વતપાટિયા ગાયત્રી નગર ખાતે રહેતા 43 વર્ષીય નેહા ડાગા તરીકે થઈ છે.

મહિલા રોકડીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો અને એક બેફામ ટ્રક ચાલકે મહિલાને મોતની ટક્કર મારી હતી. જેમાં ઘટના સ્થળે જ મહિલાનું મોત થઈ ગયું હતું. બાદમાં, મહિલાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકસ્માતની જાણ પરિવારને થતાં પરિવાર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પરિવારમાં રોકકળ મચી ગઈ હતી.