July 1, 2024

સુનિતા વિલિયમ્સ હેમખેમ પૃથ્વી પર પરત ફરે માટે ઝુલાસણ ગામમાં અખંડ જ્યોત કરાઈ

મહેસાણા: અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેમના સાથી બૂચ વિલ્મોર સાથે અવકાશમાં છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા પછી 13 જૂનના દિવસે પૃથ્વી પર પરત ફરવાના હતા. પરંતુ તેમના સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાતા તેઓ પરત ફરી શક્યા નથી. તેથી નાસાએ સુનિતા અને તેમની ટીમના પરત ફરવાની ત્રીજી વખત તારીખ જાહેર કરી છે. ત્યારે હવે સુનિતાના હેમખેમ પૃથ્વી પર પરત ફરે તે માટે તેમના વતન ઝુલાસણ ગામે ગ્રામજનો દ્વારા પ્રાર્થનાનું આયોજન કરાયું છે.

સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાઈ છે અને તેની વાપસીની તારીખ નીકળી જતા ઝુલાસણ ગામના ગ્રામજનો ચિંતિત છે. જેથી ગ્રામજનો દ્વારા સુનિતા વિલિયમ્સને અંતરીક્ષમાંથી પાછા ફરવામાં સફળતા મળે અને સહી સલામત પાછી આવે તે માટે હવન-પ્રાર્થના સહિતનું આયોજન કરાયું છે. આજે ઝુલાસણના ડોલા માતાના મંદિરમાં અખંડ જ્યોત લાવવામાં આવશે અને સુનિતા સહી સલામત પાછી ફરે તેની પ્રાર્થના કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી મંદિરમાં પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બીજા દિવસે વહેલી સવારથી મંદિરમાં હવન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઝુલાસણ ગામે સુનિતા વિલિયમ્સ હેમખેમ અને વહેલીતકે પાછી ફરે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. સુનિતા મહેસાણા શહેરના કડી તાલુકાના ઝુલાસન ગામની વતની છે જ્યાં ગામના લોકો અને ગામની શાળામાં અખંડ જ્યોત પ્રગટાવી ભગવાનને પ્રાથના કરવામાં આવી રહી છે. આ દરમિયાન સૌ કોઈએ સુનિતા અને તેમની ટીમ પૃથ્વી પર હેમખેમ પરત ફરે તે માટે પ્રાર્થના કરી હતી.