January 22, 2025

‘રાજમહેલ જેવું ઘર, લગ્ઝરી કાર…’, અપાર સંપતિના માલિક છે જામ સાહેબ અજય જાડેજા; જાણો નેટવર્થ

Jamnagar: ગુજરાતના જામનગરના રાજવી પરિવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાને તેમના અનુગામી તરીકે જાહેર કર્યા છે. જામ સાહેબ શત્રુશૈલ્યસિંહજી મહારાજે શુક્રવારે એક પત્ર દ્વારા આ જાહેરાત કરી હતી. 53 વર્ષીય અજય જાડેજાએ ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમી છે. તેઓ જામનગરના રાજવી પરિવારના વંશજ છે. તેમનો જન્મ 1971માં જામનગરમાં થયો હતો. જે અગાઉ નવાનગર તરીકે ઓળખાતું હતું. તેમના પિતા દોલતસિંહજી જાડેજા શત્રુસલ્યસિંહજીના પિતરાઈ ભાઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને દશેરા નિમિત્તે જામનગરના વારસદાર જાહેર કરવામાં આવ્યા છે. જામનગરના જામ સાહેબ શત્રુશૈલ્યસિંહજી જાડેજાએ પૂર્વ ક્રિકેટરને તેમના વારસદાર તરીકે પસંદ કર્યા હતા. અજય જાડેજા ગુજરાતના જામનગર રાજવી પરિવારના છે. જામ સાહેબ શત્રુશૈલ્યસિંહજીએ એક અખબારી યાદીમાં આ માહિતી આપી છે. આ સાથે તેમણે કહ્યું, ‘દશેરાના આ શુભ અવસર પર મારી બધી મૂંઝવણો પૂરી થઈ ગઈ છે અને હું જામ સાહેબ તરીકે અજય જાડેજાને પસંદ કરું છું. હું આશા રાખું છું કે તેઓ જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અજયની ટીમ ઈન્ડિયા માટે શાનદાર કારકિર્દી હતી. જો કે ફિક્સિંગ સ્કેન્ડલ બાદ તે ભારત માટે ફરી મેદાનમાં ઉતરી શક્યો નહોતો. જાડેજાને ફિક્સિંગ કેસમાં કોર્ટમાંથી ક્લીનચીટ મળી હતી. પરંતુ તેનાથી તેની કારકિર્દી પર ડાઘ પડી ગયો હતો. જાડેજાનું ફુલ ફોર્મ અજયસિંહ જાડેજા છે. તેમના પિતા દોલતસિંહજી જાડેજા રાજવી પરિવારમાંથી આવતા હતા અને જામનગરના ત્રણ વખત સાંસદ હતા. આ જ કારણ છે કે જાડેજાને પણ તેમના પૂર્વજો પાસેથી મિલકત વારસામાં મળી હતી.

જાડેજાની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયા છે
અજય જાડેજાનો ઉછેર મોટા પરિવારમાં થયો હતો. તેમના પિતા શરૂઆતથી જ શ્રીમંત હતા. જો કે, જાડેજાને ક્રિકેટ પસંદ હતું તેથી તેમણે પોતાની કારકિર્દીને રમતની જેમ આગળ ધપાવી. રિપોર્ટ અનુસાર અજય જાડેજાની પાસે 250 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. હાલમાં જાડેજાની આવકનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ કોમેન્ટ્રી છે. આ સિવાય તેમની પાસે મહેલ જેવું ઘર છે અને તેમની પાસે ઘણા લક્ઝરી વાહનો છે. જાડેજા સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાં પણ સામેલ છે.

જો તેમની કારકિર્દીની વાત કરીએ તો અજય જાડેજાએ ભારત માટે 15 ટેસ્ટ અને 196 વનડે મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે 576 રન બનાવ્યા છે. જ્યારે ODIમાં તેના નામે 5359 રન છે. જેમાં તેણે 6 સદી અને 30 અડધી સદી પણ ફટકારી છે.

અજય જાડેજાનું રાજવી પરિવાર

ક્રિકેટર એવા જામનગરના મહારાજા રણજીતસિંહજી (પ્રિન્સ રણજી ) અપરિણીત હતા.તેમણે પોતાના સગા ભાઈ જુવાનસિંહજીના પુત્ર દિગ્વિજયસિંહજીને દત્તક લીધા હતા. જુવાનસિંહજીને ચાર પુત્રો કુમાર પ્રતાપસિંહજી,જામ દિગ્વિજયસિંહજી,કુમાર હિંમતસિંહજી અને કુમાર દિલીપસિંહજી, આ જામ સાહેબ દિગ્વિજયસિંહના પુત્ર એટલે હાલના જામ સાહેબ શત્રુશૈલ્યજી, અજ્યસિંહનાં દાદા પ્રતાપસિંહજી અને શત્રુસેલ્યજી બંને સગાભાઈઓ થાય અને પ્રતાપસિંહના પુત્ર એવા જામનગર જિલ્લાના ત્રણ વખતના સાંસદ દોલતસિંહના પુત્ર અજય જાડેજા છે. આમ જામ સાહેબ શત્રુશૈલ્યજી અને અજય જાડેજા વચ્ચે કાકા ભત્રીજાના લોહીના સબંધો છે.

હાલ દિલ્હી ખાતે રહેતા અજય જાડેજાને પોતાના વતન જામનગર સાથેનો પ્રેમ દરેક મુલાકત વખતે અચૂક જોવા મળે છે. રાજવી પરિવારના દરેક સારા નરસા પ્રગંગમાં અજય જાડેજાની હાજરી અચૂક જોવા મળતી રહી છે. વર્ષ ૨૦૧૮માં પોલેન્ડ દેશના ૧૦૦માં સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન તેઓ રાજવી પરિવારના સભ્ય તરીકે જામનગર હાજર રહ્યા.પોતાના પિતાના અવસાન અને માતાના અસ્થી વિસર્જન વખતે પણ તેઓ જામનગર આવ્યા હતા. દોઢ વર્ષ પૂર્વે ક્રિકેટર સલીમ દુરાનીના અવસાન બાદ જનાજામાં સામેલ થયા હતા.

આ પણ વાંચો: જામ સાહેબના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર, જામનગરના રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય

રણજિત ટ્રોફી અને દુલીપસિંહજી ટ્રોફી ના નામ ચાલે છે તે રાજવી પરિવારમાંથી આવતા અજય જાડેજાના પિતા દોલતસિંહજી જાડેજા ત્રણ વખત જામનગર જિલ્લાના સાંસદ રહી ચૂક્યા છે. અભ્યાસની વાત કરવામાં આવે તો અજય જાડેજા એ દિલ્હીની ભારતીય વિદ્યાભવનથી અભ્યાસની શરૂઆત કરી, ત્યારબાદ તેઓને રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરવા મોકલવામાં આવ્યા જો કે તેમને બોર્ડિંગ અભ્યાસ પસંદ ન હતો. રાજકોટથી તેઓ 13 વખત ભાગી ચુક્યા હતા. અજય જાડેજાએ દિલ્હીની હિન્દૂ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. અજય જાડેજાએ રાજકારણમાં સમાજવાદી પાર્ટી સાથે સક્રિય રહેલા જયા જેટલીની પુત્રી અદિતિ જેટલી સાથે લગ્ન કર્યા છે અને તેઓને અઈમાન અને અમીરા નામના બે સંતાનો પણ છે. હાલ બંને સંતાનો અભ્યાસ કરી રહ્યા છે.