અમદાવાદમાં ગેરકાયદે ધર્માંતરણ મામલે પોલીસ તપાસમાં થયો નવો ખુલાસો
અમદાવાદ: અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની શંકાનાં આધારે બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોએ પોલીસને જાણ કરતા ચકચાર મચી જવા પામી હતી. જે બાદ કોચરબ આશ્રમ પાસે સ્પાન કોમ્પ્લેક્સમાં બિલ્ડીંગના 7 માળ પર ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભાના હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. અહીં મૂળ હિન્દુ ધર્મના લોકોનું ધર્માંતરણ કરાઈ રહ્યું હોવાની શંકા હતી.
અમદાવાદના કોચરબ આશ્રમ પાસે સ્પાન કોમ્પ્લેક્સમાં ધર્માંતરણ થવાના આક્ષેપ અને કોમ્પ્લેક્સમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના સભા કરાવવામાં આવતી હોવાના આક્ષેપ થયો હતો. આશંકાને લઈને પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો. જેમાં 26 લોકો ધર્માંતરણ માટે એકઠા થયાની માહિતી મળી હતી. પરંતુ પોલીસે તપાસ કરતા દર રવિવારે 26 લોકો પ્રાથના સભામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: સુરત જીલ્લાના ગામોમાં પાવર ગ્રીડ દ્વારા નાખવામાં આવતી વીજ લાઈનનો વિરોધ
ધર્માંતરણના પ્રયાસ મામલે એલીસબ્રીજ પોલીસે નિવેદન લઈને તપાસ શરૂ કરી હતી. જેમના નિવેદનમાં 26 લોકો ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું સામે આવ્યું હતું. આ 26 લોકોમાં 7 દાહોદ અને 19 જંબુઆના મધ્યપ્રદેશ રહેવાસી છે, છેલ્લા 4 વર્ષથી ફતેવાડીમાં રહે છે અને તમામ લોકો છેલ્લા ઘણા વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું સામે આવ્યું છે. ત્યાં જ પ્રાર્થના સભા કરતા તે ઓફિસ ખ્રિસ્તીનાં એક ટ્રસ્ટના નામે હોવાની વિગત પણ સામે આવી છે. ત્યાં જ આ સભામાં બેઠેલા અમુક લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે પરંતુ સરકાર પાસે મંજૂરી મળેલી નથી, તેવી વિગતો પણ સામે આવી છે.
બીજી તરફ દર રવિવારે 26 લોકો પ્રાથના સભામાં આવતા હોવાનું નિવેદનમાં સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, હિંદુમાંથી અન્ય ધર્મમાં ધર્માંતરણની શંકાના આધારે બજરંગ દળે આક્ષેપ કર્યો હતો. આ મામલે તમામ નિવેદન લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જો ધર્મ પરિવર્તન કરાવવા કલેક્ટરની મંજૂરી નહીં મેળવી હોય તો કાર્યવાહી કરાશે. લોકોને અનેક લાલચો આપી ધર્માંતરણ કરાવાતું હોવાનો બજરંગદળનો આક્ષેપ છે. આ ઉપરાંત અનેક સગીર યુવકોને નોકરીની લાલચે ધર્માંતરણ કરવા માટે લાવવામાં આવ્યા હોવાનું બજરંગદળે જણાવ્યુ છે. આ સમગ્ર મામલે ભીનું ન સંકલેવા બજરંગદળની માગ છે.