December 17, 2024

POCSO: 11 વર્ષની માસૂમ બાળકી સાથે આધેડે કર્યા શારીરિક અડપલાં, થઈ ગયો જેલ ભેગો

મિહિર સોની, અમદાવાદ: કૃષ્ણનગરમાં ટ્યુશન જતી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર વૃદ્ધની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળકીને સાથે વૃદ્ધએ શારીરિક અડપલાં કર્યા હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. જેને લીધે ગભરાયેલી દીકરીની માતા પિતા દ્વારા પૂછપરછ કરતા વૃદ્ધની કારતૂતો અંગે દીકરી આપવીતી કહી સંભળાવતા વૃદ્ધનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીડધી છે.

આરોપી 59 વર્ષના હરેશ ગોંડલીયા નામના વૃદ્ધે પૌત્રીની ઉંમરની બાળકી સાથે શારીરિક અડપલાં કરતા કૃષ્ણનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી એક સોસાયટીમાં રહેતી 11 વર્ષની બાળકી 5 જુલાઈના રોજ પોતાના ટ્યુશનમાંથી છૂટીને ઘરે આવતી હતી. સોસાયટીના ગેટ નજીક સાંજે 7 વાગે આસપાસ બાળકીની એકલતાનો લાભ લઇ આરોપીએ તેને પકડીને શારીરિક ચેનચાળા કર્યા હતા. જોકે બાળકી એ ઘરે જઈને માતા પિતાને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. પરંતુ તેમને વૃદ્ધ લાડ કરતો હોવાનું લાગ્યું હતું. પરંતુ, દીકરી ગભરાયેલી અને ભયભીત રહેતી હોવાથી પરિવારે વૃદ્ધની પૂછપરછ કરતા બંન્ને પક્ષ વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે છેડતીનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

કૃષ્ણનગર પોલીસે આ મામલે POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં તે વેપાર કરતો હોય તેવું સામે આવ્યું હતું. બાળકી એકલા ટ્યુશનથી ઘરે જતી હોવાથી આરોપીએ તેની એકલતાનો લાભ ઉઠાવવા શારીરિક છેડછાડ કરી હતી. જોકે આ સમગ્ર બનાવ જે સંજોગોમાં બન્યો તેને લઈને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીએ આ બાળકી સિવાય પણ અન્ય કોઈ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તેને લઈને કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.