January 22, 2025

ક્ષત્રિય સમાજના રોષ મુદ્દે પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને મળી બેઠક

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ ભારે રોષ ફેલાઈ ગયો છે. જેના કારણે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે, જેને લઈને આજે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નિવાસ સ્થાને મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના ક્ષત્રિય સમાજના નેતા હાજર રહ્યા હતા. આ બેઠકમાં 90 જેટલા ક્ષત્રિય સમાજના લોકોની સંકલન સમિતિની આગેવાનો સાથે આવતીકાલે બેઠક કરીને તેમને મનાવવાની જાહેરાત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્રારા કરવામાં આવી છે.

બીજેપીના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટીકા ટિપ્પણીની આગ સૌરાષ્ટ્ર બાદ સમગ્ર રાજ્યમાં ફેલાઈ છે. આ વિરોધની આગ વચ્ચે આજે બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય પૂર્વ મંત્રી જેવા કે ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદીપ સિંહ જાડેજા, સાંસદ કેસરીદેવ સિંહ, આઈ કે જાડેજા, હકુભા જાડેજા, હર્ષ સંઘવી બળવંત સિંહ રાજપૂત સહિત અન્ય ભાજપ પક્ષના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને મળેલી બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. આ બેઠકના અંતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે હું પણ ક્ષત્રિય સમાજની માફી માગું છું. આ અગાઉ પરશોત્તમ રૂપાલા પણ ક્ષત્રિય સમાજના સંમેલનમાં જઈને બે વખત માફી માંગી ચૂક્યા છે. આમ છતાં વિવાદ સમેટવાનું નામ ન લેતા આજે તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજના જુના જોગીઓને યાદ કરીને ગઈકાલે મોડી રાત્રે બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયું હતું અને આ સમગ્ર મામલાને કેવી રીતે થાળે પાડવા મનોમંથન કરવામા આવ્યું હતું.

આ પણ વાંચો: રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની 90 લોકોની સંકલન સમિતિ છે આ સંકલન સમિતિની આવતીકાલે ત્રણ વાગે અમદાવાદ ખાતે ગોતામાં બેઠક કરવામાં આવશે,આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની નારાજગીને સાંભળવામાં આવશે અને ધીમે ધીમે પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરાશે. લગભગ આજે ત્રણથી ચાર કલાકની બેઠકના અંતે નક્કી કરવામાં આવ્યું છે કે આ પ્રશ્ર્નોનો ઝડપથી નિરાકરણ આવે તેવો પ્રયાસ ભાજપ તરફથી શરુ કરી દેવામા આવયો છે. આ ઉપરાંત સીઆર પાટીલે જણાવ્યું હતું કે સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને માફ કરી દે ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને પાર્ટી સાથે જોડાયેલા રહે એવી વિનંતી કરી હતી તેની વચ્ચે ઉમેદવાર બદલવાના મુદ્દે કોઈ વિચારણા કરી છે કે કેમ તેના સવાલના જવાબમાં પાટીલે જણાવ્યું હતું કે ના હાલ કોઈ વિચારણા કરી નથી.