December 23, 2024

ગિરનાર પરિક્રમાને લઈને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રની બેઠક યોજાઈ

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢમાં દેવદિવાળીથી શરૂ થનાર ગિરનારની પરિક્રમાને લઈને વહીવટી તંત્રની બેઠક યોજાઈ હતી, વહીવટી તંત્ર, સાધુ સંતો અને સામાજીક સંસ્થાની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી, તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી. તેમાં આવેલા સૂચનો પર અમલવારી કરવા અને જરૂરી વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી.

આગામી 12 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં વહીવટી તંત્ર, સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય સંજય કોરડીયા, ઈન્દ્રભારતી બાપુ સહીતના સાધુ સંતો તથા પરિક્રમા દરમિયાન ઉતારા અને અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાના આગેવાનો, સામાજીક અગ્રણીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સૂચનો અને તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગિરનારની પરિક્રમા કરવા આવતાં ભાવિકોને કોઈ અગવડતા ન પડે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર પરિક્રમા પૂર્ણ થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યા છે, ગિરનારમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ બાદની આ પ્રથમ પરિક્રમા છે ત્યારે ખાસ કરીને દૂધ અને અનાજ સહીતનો સામાન કે જે પ્લાસ્ટીક પેકીંગમાં જ આવે છે તેના વિકલ્પ અને તે અંગે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અન્નક્ષેત્રો, પિવાના પાણી, સફાઈ, ટ્રાફીક વ્યવસ્થા, લોકોની સુરક્ષા, તથા આરોગ્ય લક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવા આગેવાનોએ સૂચનો કર્યા છે,

સમગ્ર પરિક્રમા દરમિયાન યાત્રીકોની સુવિધા તથા અન્નક્ષેત્ર અને ઉતારા માટે રાંધણ ગેસની વ્યવસ્થા ભવનાથ તળેટીમાં જ કરવામાં આવે તેવી ધારાસભ્યએ સૂચના આપી છે, પરિક્રમા દરમિયાન કોઈપણ ચીજવસ્તુઓના બમણા ભાવ ન લેવાય અને નિયત ભાવે જ ચીજવસ્તુઓ મળી રહે તે માટે પણ ધારાસભ્ય દ્વારા તંત્રને સૂચના આપવામાં આવી, ગિરનારની પરિક્રમાં દરમિયાન સરકારી વાહનોના દુરૂપયોગને લઈને પણ ધારાસભ્યએ તંત્રને ટકોર કરી અને મર્યાદામાં પાસ ઈશ્યુ કરવા સૂચના આપી હતી.

સામાન્ય રીતે કારતક માસની અગિયારસ એટલે કે દેવદિવાળી થી પરિક્રમાની શરૂઆત થાય છે પરંતુ ઘણા લોકો બે ત્રણ દિવસ અગાઉથી જ પરિક્રમા શરૂ કરે છે ત્યારે ઘારાસભ્ય સંજય કોરડીયા, સામાજીક આગેવાનો તથા વહીવટી તંત્રએ અપીલ કરી છે કે લોકો પરિક્રમા તેના નિયત સમયમાં જ શરૂ કરે અને તંત્રને સહયોગ કરે જેના માટે પોલીસ તથા વન વિભાગની ટીમ તૈનાત કરવામાં આવશે, જેથી ભવનાથ તળેટીમાં અને પરિક્રમાના જંગલના રૂટ પર ટ્રાફીક નિયમન થઈ શકે અને યોગ્ય વ્યવસ્થા જાળવી શકાય.

સામાન્ય રીતે જ્યાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની હોય ત્યાં આગોતરૂ આયોજન જરૂરી હોય છે અને તેના માટે મહિનાઓ પહેલા તૈયારીઓ શરૂ કરવી પડતી હોય છે, તંત્ર દ્વારા સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓ સાથે સંકલન માટે પરિક્રમા પહેલાં એક બેઠકનું આયોજન કરવામાં આવે છે જેથી પરિક્રમાં દરમિયાન કોઈ અગવડ ન પડે અને સુવ્યવસ્થિત રીતે સમગ્ર પરિક્રમાનું સંચાલન કરી શકાય.