December 21, 2024

ભાજપનો માસ્ટર સ્ટ્રોક, રાજવી પરિવારની રાજમાતાને મહુઆ મોઇત્રા સામે મેદાનમાં ઉતાર્યા

Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે (24 માર્ચ) ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી. જાહેર કરેલી યાદીમાં 111 ઉમેદવારોના નામ સામેલ છે. પાર્ટીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી રાજમાતા અમૃતા રૉયને ટિકિટ આપી છે. તે TMC નેતા મહુઆ મોઇત્રા સામે મેદાનમાં ઉતરશે. અમૃતા રૉય કૃષ્ણનગરના રાજવાડા (રોયલ પેલેસ)ની રાજમાતા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઉમેદવારી અંગે અટકળો ચાલી રહી હતી. નોંધનીય છે કે અમૃત રૉય આ મહિને 20 માર્ચે ભાજપમાં જોડાયા હતા. તેમણે શુભેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું.

ભાજપને તાકાત મળશે
ચૂંટણી નિષ્ણાતોનું માનવું છે કે અમૃતા રૉયની ઉમેદવારી રાજ્યમાં ભાજપને મજબૂત બનાવશે. બીજી બાજુ ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા નેતૃત્વએ પહેલા અમૃતાને ઉમેદવાર બનાવવામાં રસ દાખવ્યો અને પછી પાર્ટીએ તેની સાથે વાતચીત શરૂ કરી. ત્યારબાદ, જ્યારે અમૃતા સાથે ચૂંટણી લડવાની વાત કરવામાં આવી તો તે રાજી થઈ ગઈ.

મહુઆ મોઇત્રા ગત વખતે જીતી હતી
ગત ચૂંટણીમાં ટીએમસીના નેતા મહુઆ મોઇત્રાએ કૃષ્ણનગર બેઠક પરથી જીત મેળવી હતી.તેમને 6 લાખથી વધુ વોટ મળ્યા જ્યારે ભાજપના કલ્યાણ ચૌબેને કુલ 5 લાખ વોટ મળ્યા. મહુઆ મોઇત્રા 63218ના જંગી માર્જિનથી જીત્યા.મહુઆને ચોપરા, પલાશીપારા અને કાલીગંજ વિધાનસભામાં જંગી વોટ મળ્યા હતા. બીજી બાજુ હાલના સમયમાં ટીએમસી અહીં નબળી પડી છે.

ભાજપને પ્રભાવશાળી ચહેરો જોઈતો હતો
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર વોટ માર્જિન વધારવા માટે સ્થાનિક, પ્રભાવશાળી અને પરિચિત ચહેરાની જરૂર હતી.આવી સ્થિતિમાં અમૃતા રાયની નોમિનેશન ભાજપને મજબૂતી આપશે. બંગાળમાં રાજા કૃષ્ણચંદ્ર દેવ ખૂબ પ્રખ્યાત છે. તેઓ 18મી સદી દરમિયાન તેમના દૂરંદેશી શાસન માટે જાણીતા છે.